Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અમદાવાદથી જૈન પ્રતિમાઓને અમેરિકાના વર્જીનીયાના દેરાસરમાં પ્રસ્‍થાપિત કરાશેઃ છ ભક્તો દ્વારા જૈન દેરાસર બનાવવા માટે ૨પ કરોડથી વધુ રકમ અેકત્રિત કરાઇ

વર્જીનીયાઃ અમેરિકામાં પણ જૈન દેરાસર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જ્યાં અમદાવાદથી મૂર્તિઓને લઇ જવાશે અને ત્‍યાં પ્રસ્‍થાપિત કરવામાં આવશે.

અમેરીકાના વર્જીનીયાના રીચમંડ શહેરમાં જૈન દેરાસર તૈયાર થઈ રહ્યું છે. જેની પ્રતિમાઓ અમદાવાદ ખાતે તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ ખાતેથી પ્રતિમાઓને અમેરીકા ખાતે દેરાસરમાં પ્રસ્થાપીત કરવામાં આવશે. શ્રી શંખેશ્વર પાશ્વનાર્થ પ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ, તથા શ્રી મહાવીર સ્વામીજીની પ્રતિમાઓ અમદાવાદના સોલા રોડ જૈન સંઘ આદિનાથ જીનાલય ખાતેથી તૈયાર કરવામાં આવી છે. જે પ્રતિમાઓ તૈયાર કરાવનાર ભક્તો છેલ્લા 35 વર્ષથી અમેરિકા ખાતે રહે છે. અમેરિકામાં શંખેશ્વર પાશ્વનાર્થ જૈન દેરાસર ન હોવાથી તેમને આ દેરાસર તૈયાર કરાવવાની કલ્પના થઈ અને લગભગ 6 ભક્તો દ્વારા 25 કરોડથી વધારે રકમ એકઠી કરવામાં આવી. જેમાંથી આ દેરાસર બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિં આ માટે કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.

દેરાસર માટે મૂર્તિઓના નિર્માણ માટે આ દાનવીરો પૈકી નિકેતન મેહતા અને ચંદ્રેશભાઈ હાલ ભારતમાં અમદાવાદની મુલાકાતે આવેલા છે. અહિં તેઓ જિનાલય માટે મૂર્તિઓ તૈયાર કરાવી રહ્યાં છે. નિકેતન મહેતાએ જણાવ્યું હતું કે અમે 35 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છીએ. ગેટેટુગેધર માટે હિંદૂ સેન્ટર હોય છે. પણ જૈનોની આગવી ઓળખ ઉભી કરવા માટે દેરાસર બનાવીએ છીએ. આ દેરાસર સાડા ચાર એકરમાં ફેલાયેલું હશે. જેમાં 12000 ચોરસફૂટ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં કુલ 41 પ્રતિમાજીઓ મુકવામાં આવશે. જેમાંથી ત્રણ પ્રતિમાજીઓનું અંજનસલાકા કરાશે.

જ્યારે અન્ય ભાવિક ચંદ્રેશભાઈનું કહેવું છે કે દેરાસર બનવાથી જે આનંદ થઈ રહ્યો છે તેનું શબ્દમાં વર્ણન ન કરી શકાય. વર્ષોથી અમારી ઈચ્છા હતી. જેને પૂરી કરવા એક પગલું આગળ વધ્યા છીએ. હવે અમને પોતાનું કોમ્યુનિટી સેન્ટર હશે. પોતાનું દેરાસર હશે. આ દેરાસર બનવા પાછળ આશરે 2.5 મિલીયન ડોલર જેટલા ખર્ચનો અંદાજ છે.

આ ભાવિકો જે અમેરિકાથી આવ્યા છે તેઓ આચાર્ય ભગવંતો રાજ્યશસૂરૂશ્વર મહારાજની નિશ્રામાં આદિનાથ જીનાલાય દેરાસર માટે મૂર્તિ બનાવી રહ્યાં છે. આ મહારાજ સાહેબનું કહેવું છે કે દેરાસરમાં જે મુખ્ય પ્રતિમા હોય તેને મૂળ નાયક કહેવાય. અમેરિકામાં મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ હોય તેવું એક પણ દેરાસર નથી. આથી દેરાસરમાં આ પ્રકારનું દેરાસર તૈયાર થઈ રહ્યું છે જેમાં મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ હશે. તેમની બાજુમાં પ્રથમ તિર્થંકર આદિશ્વર ભગવાનનું મંદિર હશે. જ્યારે બાજુમાં 24માં તિર્થંકર મહાવીર સ્વામી હશે. સામાન્ય રીતે આ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા આચાર્ય જ કરે તેવી પ્રણાલિકા છે. આચાર્ય વિદેશમાં જતા નથી. એ સ્વાભાવિક છે કે જૈનોને તેમની શ્રદ્ધા ભારતમાં રહેલા સંતો વિશે વિશેષ હો. તેથી જ તેઓ અહિં મૂર્તિ બનાવડાવે છે. તેઓ આ મૂર્તિઓની અંજનસલાકા અહિંથી જ કરાવાય તેમ ઈચ્છે છે તેથી આ ત્રણેય મૂર્તિઓની અહિં અંજન સલાકા કરાશે પછી આ મૂર્તિઓને વર્જીનિયાના રીચમમંડ શહેરમાં નવા બની રહેલા દેરાસરમાં પ્રસ્તાપિત કરાશે.

(8:04 pm IST)