Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મહાભિયોગ પ્રસ્તાવ રદ્દ કરવા અંગે નાયડુએ આપ્યા આ કારણો

૧૦ પેજના આદેશમાં ૧૦ કરતા વધુ કારણો આપીને રદ્દ કર્યો પ્રસ્તાવ

૧) સંસદની ગરીમા વિરુદ્ઘ છે. આ અયોગ્ય છે અને સીજેઆઈ પદના મહત્વને ઓછું કરે તેવી હરકત છે. મીડિયામાં નિવેદનો કરવાથી વાતાવરણ ખરાબ થાય છે.

૨) નોટિસ યોગ્ય રીતે આપવામાં આવી નથી. કોઈના વિચારમાત્રથી અમે ગવર્નન્સના સ્તંભને નબળો ન બનાવી શકીએ. ચીફ જસ્ટિસની અક્ષમતા અથવા તેમના દ્વારા પદનો દુરઉપયોગના આરોપને સાબિત કરવા માટે વિશ્વસનીય અને સત્ય સાબીત કરવા માટે યોગ્ય માહિતી હોવી જરૂરી છે.

૩) સાંસદોએ જે પણ આરોપ લગાવ્યા છે તેમાં કોઈ ખાસ પુરાવા અને નિવેદન આપવામાં આવ્યા નથી. નોટિસમાં જે આરોપ લગાવવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે અને ન્યાયપાલિકાની આંતરિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલા છે. તેથી તે આરોપો વિશે વધારે તપાસ કરવાની જરૂર નથી.

૪) દરેક પાંચ આરોપો પર ધ્યાન આપ્યા પછી જાણવા મળ્યું છે કે, આ સુપ્રીમ કોર્ટની ઈન્ટરનલ બાબાત છે. આ સંજોગોમાં મહાભિયોગ માટે આ આરોપોને સ્વીકાર કરી શકાય તેમ નથી.

૫) સુપ્રીમ કોર્ટેના પાંચ જજોએ તેમના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, ચીફ જસ્ટીસ જ માસ્ટર ઓફ રોસ્ટર છે અને તેઓ જ નક્કી કરી શકે છે કે, કેસ કોને આપવો.

૬) આ નોટિસમાં ૬૪ સભ્યોની સહીઓ છે. તે માટે જજ ઈન્કવાયરી એકટની સેકશન ૩(૧) અંતર્ગત વિચાર કરવાની જરૂર હતી. નોંધનીય છે કે, આ એકટ અંતર્ગત જજ પર લાગેલા કોઈ પણ પ્રકારના આરોપની તપાસ કરવામાં આવે છે. વિપક્ષે પૂરતા સંખ્યાબળ સાથે મહાભિયોગની નોટિસ રાજયસભાના ચેરમેનને આપી હતી તેથી વેંકૈયા નાયડૂએ તે માટે દરેક સાથે ચર્ચા પણ કરી હતી.

૭) આ પ્રસ્તાવ સીધો ચીફ જસ્ટિસ વિરુદ્ઘ હોવાથી આ મામલે તેમની પાસેથી કોઈ કાયદાકીય સૂચન મેળવી શકાય નહીં. મે તે માટે કાયદાના નિષ્ણાતો, બંધારણના નિષ્ણાતો અને રાજયસભાથી લઈને લોકસભાના પૂર્વ મહાસચિવો સાથે ચર્ચા કરી છે. પૂર્વ લો અધિકારીઓ, લો કમિશનના સભ્યો અને પ્રખ્યાત ન્યાયાધિશો સાથે પણ ચર્ચા કરી છે.

૮) મે બંધારણાના પ્રસ્તાવો અને જજને હટાવવાની હાલની જોગવાઈ વિશે પણ અભ્યાસ કર્યો. સમગ્ર તપાસ કર્યા પછી હું એ વાતથી સહેમત છું કે, આ નોટિસ યોગ્ય નથી.

૯) સાંસદોએ તેમના પ્રસ્તાવમાં 'થઇ શકે છે' તેવી શકયતાઓ રજૂ કરી છે. હું તેને કલ્પના માનુ છું. આ આરોપો સાથે કોઈ પુરાવા નથી. આરોપો નિરાધારા અને પાયાવિહોણા હોવાથી આ નોટિસને રદ કરવામાં આવી છે.

૧૦) મે ઘણાં કાયદા નિષ્ણાત લોકો સાથે આ પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા કરી છે. મે દરેક આરોપ વિશે અંગત રીતે પણ વિચાર કર્યો છે. સમગ્ર વિચાર-વિમર્શ પછી હું એ નિર્ણય પર આવ્યો છું કે, આ પ્રસ્તાવનો સ્વીકાર કરી શકાય નહીં.

૧૧) રોસ્ટર ફાળવણીમાં પણ સુપ્રીમના ચીફ જસ્ટિસનો અધિકાર છે. અને તેઓ માસ્ટર ઓફ રોસ્ટર હોય છે. જયાં સુધી રોસ્ટરની વાત છે ત્યાં સુધી ચીફ જસ્ટિસ પાસે બેંચનું ગઠન કરવાની અને કેસની ફાળવણીનો પણ સંપૂર્ણ અધિકાર હોય છે. સ્પષ્ટ વાત છે કે, આ કોર્ટની અંદરનો મામલો છે, આ વિશે કોર્ટ જાતે જ નિર્ણય લેતી હોય છે. વિપક્ષના પાંચ આરોપોને વાંચ્યા પછી મારું માનવું છે કે, આ આરોપોનો સ્વીકાર કરી શકાય નહીં. આ પ્રમાણેના આરોપોથી ન્યાયપાલિકાની સ્વતંત્રતાને ઠેસ પહોંચે છે.

૧૨) મે દરેક આરોપો વિશે જાતે જ વિચાર-વિમર્શ કર્યો છે. મે પ્રસ્તાવ સાથે સામેલ દરેક એફિડેવિટનો અભ્યાસ કર્યો છે. મારું સ્પષ્ટ માનવું છે કે, આ દસ્તાવેજોના આધાર પર ચીફ જસ્ટિસને ર્દુવ્યવહારના દોષિત જાહેર કરી શકાય નહીં.

૧૩) દેશના સર્વોચ્ચ અધિકારી વિરુદ્ઘ આ પ્રમાણેનો નિર્ણય લેતા પહેલાં વિપક્ષે આ વિશે ઝીણવટપૂર્વ વિચારવું જોઈએ. કારણકે આ પ્રકારના પ્રસ્તાવથી લોકોનો ન્યાયપાલિકામાં વિશ્વાસ ઘટે છે.

૧૪) દરેક તથ્યો વિશે વિચાર કરીને હું આ નોટિસને નામંજૂર કરુ છું.

(4:30 pm IST)