Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

'બંધારણ બચાવો' અભિયાનમાં રાહુલ ગાંધી મોદી પર તૂટી પડયાઃ કર્યા આકરા પ્રહારો

મોદીની વિચારધારા દલિત વિરોધીઃ દેશની છબી ખરડાવી :૭૦ વર્ષ સુધી કોંગ્રેસે દેશની આબરૂ બનાવવા મહેનત કરી હતીઃ મોદી સરકારે તમામ ખતમ કરી નાખી

નવી દિલ્હી તા. ૨૩ : દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે સંબોધન કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯માં જનતા પોતાના મનની વાત સાંભળશે. સરકારે રોજગારીનો માત્ર વાયદો જ કર્યો. કઠુઆ સહિતના બનાવો બાબતે મોદી કશુ બોલ્યા નથી. કોંગ્રેસે બંધારણની રક્ષા કરી છે. મોદીને માત્ર તેમના પોતાનામાં જ રસ છે. માટે નેતાઓને જાહેરમાં બોલતા બંધ થવાની સલાહ આપી છે. દુનિયામાં ભારતની રેપ્યુટેશન મોદીએ ખતમ કરી નાખી છે. મહિલા ૫ર હૂમલા થાય છે, લઘુમતી ઉ૫ર હુમલા, દલિતોની હત્યા. ૭૦ વર્ષ સુધી કોંગ્રેસે દેશની આબરૂ બનાવવા મહેનત કરી હતી. જે તમામ મોદીએ ખતમ કરી નાખી છે. મોદીએ દેશની છબી ખરડાવી છે.

સંવિધાન બચાઓ અભિયાની શરૂઆત કરતા દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જે ટોયલેટ સાફ કરે છે, જે ગંદુ ઉઠાવે છે, તેની શું આધ્યાત્મિકતા હશે. કોઈએ એ આધ્યાત્મિકતાને અનુભવી છે, જે વાલ્મીકિ સમાજનો દરેક વ્યકિત અનુભવે છે. પરંતુ હવે દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે. ભાજપની વિચારધારા દલિત વિરોધી બની રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વકતવ્ય સાથે સંવિધાન બચાઓ અભિયાનની શરૂઆત કરી છે. જેનો હેતુ સંવિધાન અને દલિતોના કથિત હુમલાઓના મુદ્દાને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો છે.

આવતા વર્ષે થનારા લોકસભા ઈલેકશન પહેલા દલિત સમુદાય વચ્ચે પોતાની શાખ વધારવાના પ્રયાસ અંતર્ગત કોંગ્રેસનું આ અભિયાન બહુ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અને આંબેડકરજીએ સંવિધાન લખ્યું અને દેશને આપ્યું. જે પણ સંવિધાનિક બોડી છે, પછી તે લોકસભા હોય, રાજયસભા અને આઈઆઈટી હોય. બધુ આપણા સંવિધાને આપ્યું છે. સંવિધાન વગર ન લોકસભા, ન રાજયસભા બને અને ન તો આઈઆઈટી, ન તો બેંગલુરુ બનતું. સંવિધાન છે તો દેશ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણા તમામ સંસ્થાનમાં આરએસએસની વિચારધારાવાળા લોકો રાખવામાં આવી રહ્યા છે. પહેલીવાર હિન્દુસ્તાનના ઈતિહાસમાં એવું બન્યું છે કે, ચાર જજ જનતા પાસે ન્યાય માંગી રહ્યા છે. હંમેશા નાગરિકો જજ પાસે જતા હોય છે, પણ અહીં તો ઉલ્ટુ થઈ રહ્યું છે. સંસદને બંધ કરી દેવાઈ છે.

રાહુલ ગાંધીએ મોદી પર આકરા પ્રહારો કરીને કહ્યું કે, જ્યારે કોઇ દલીત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જોવે છે ત્યારે તેને લાગે છે કે, આ વ્યકિતના હૃદયમાં દલીતો, કમજોર અને મહિલાઓ માટે કોઇ જગ્યા નથી.

સંસદના ગતિરોધ અંગે મોદી પર નિશાન સાધતીને કહ્યું કે, પહેલીવાર સરકારે સંસદને રોકી રાખી છે. સામાન્ય રીતે વિપક્ષ આ કામ કરે છે. મારૂ ૧૫ મિનિટનું ભાષણ જો સંસદમાં કરાવી આપવામાં આવે તો મોદીજી ઉભા નહી થઇ શકે. હું નિરવ મોદી અને રાફેલ સોદાની વાત કરીશ. સંસદમાં મારી સામે બોલવાથી ડરે છે મોદીજી. મોદીજી ઇચ્છે છે કે દેશ ફકત તેમની વાત સાંભળે. એટલે જ ભાજપના સાંસદો અને ધારાસભ્યોને બોલવાની ના પાડી દેવાઇ. તેમણે કહ્યું કે, મોદીજી બોલશે અને તેમના મનની વાત બોલશે.

(7:57 pm IST)