Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બનશે ?

નવી દિલ્હી, તા. ૨૩ :. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બેન્ક ઓફ ઈંગ્લેન્ડ (બીઓઈ)ના નવા પ્રમુખ બને તેવી શકયતા છે. જો આવુ થાય તો બીઓઈના વર્તમાન ગવર્નર માર્ક કાર્નીની જગ્યા રાજન લેશે. ફાયનાન્સીયલ ટાઈમ્સમાં છપાયેલ એક રીપોર્ટ મુજબ બ્રિટનના નાણામંત્રી ફિલીપ હેમંડના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, કાર્નીના ઉત્તરાધીકારીને ગોતવાનું ચાલુ છે અને સંભવીત આશાઓ ઉપર વિચાર ચાલુ છે અને આ લીસ્ટમાં રાજનનું નામ સૌથી મોખરે છે.

રીપોર્ટ મુજબ આ ટોપ જોબ માટેના લીસ્ટમાં ૬ લોકો છે. જેમાં રઘુરામ રાજનનો પણ સમાવેશ કરાયો છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ ઈન્ટરનેશનલ ઈકોનોમિકસ સાથે સેન્ટ્રલ બેંકના પ્રમુખ તરીકે રાજનનો રેકોર્ડ અને અનુભવ જબરદસ્ત છે. આરબીઆઈના ગવર્નર રૂપે તેમના નામે ઘણી ઉપલબ્ધીઓ છે.

જો કે રીપોર્ટમાં એ પણ જણાવાયુ છે કે, બેન્ક ઓફ ઈંગ્લેન્ડની આ ટોપ જોબ માટે પોતાની તરફથી કોઈ સંકેત અપાયો નથી. એવામાં હજુ સુધી એ નક્કી નથી કે જો આ પદ રાજનને આપવામાં આવે તો તેઓ તેનો સ્વીકાર કરશે કે નહીં ?

આરબીઆઈના ગવર્નર પદે રાજનનો કાર્યકાળ વિવાદોથી ભરાયેલો રહેલ. આમ તો તેમણે પોતાના કાર્યકાળ બાદ જ ગવર્નરનંુ પદ છોડયુ હતું પણ સરકાર સાથે તેમના મતભેદના સમાચારો સતત મીડીયામાં આવતા રહેતા હતા ત્યાં સુધી કે તેમણે નોટબંધીની કેટલીયવાર ખુલીને નિંદા કરી હતી.

(3:55 pm IST)