Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અંતે ટીસીએસ ૧૦૦ અબજ ડોલરની કંપની : મોટી સિદ્ધી

શેરબજારમાં શરૂઆતી કારોબારમાં તેજી નોંધાઇઃ સેંસેક્સ ૧૬૦ પોઇન્ટ ઉછળીને ૩૪૫૭૫ની સપાટીએ

મુંબઇ,તા. ૨૩: શેરબજારમાં આજે સારના કારોબારમાં પણ તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૬૦ પોઇન્ટ ઉછળીને ૩૪૫૭૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૮ પોઇન્ટ ઉછળીને ૧૦૫૯૨ની સપાટી પર રહ્યો હતો. બીજી બાજુ આજે શરૂઆતી કારોબારમાં જ તાતા કન્સલ્ટન્સી સર્વિસ માર્કેટ મુડીની દ્રષ્ટિએ ૧૦૦ બજ ડોલરની પ્રથમ  ભારતીય કંપની બની ગઇ હતી. આઇટીની મહાકાય કંપનીના શેરમાં જોરદાર તેજી રહી હતી. ઇન્ટ્રા ડે દરમિયાન તેના શેરમાં ૨.૭ ટકાનો સુધારો રહ્યો હતો. છેલ્લા બે કારોબારી સેશનમાં તેના શેરમાં ૧૦ ટકાનો વધારો થયો છે.સવારમાં તેની માર્કેટ મુડી વધીને ૬.૬૯ ટ્રિલિયન રૂપિયા સુધી અથવા તો ૧૦૧ અબજ ડોલર સુધી પહોંચી ગઇ હતી.જુદા જુદા પરિબળોની અસર હવે જોવા મળનાર છે. જેમાં ત્રિમાસિક ગાળાના પરિણામ પણ સામેલ છે. ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ અને આઈડીએફસી બેંક દ્વારા મંગળવારના દિવસે તેમના આંકડા જારી કરવામાં આવનાર છે. અલ્ટ્રા ટેક સિમેન્ટ, વિપ્રો દ્વારા બુધવારના દિવસે જ્યારે એક્સિસ બેંક, બાયો કોન અને યશ બેંક દ્વારા ગુરુવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે બંધન બેંક, મારુતિ સુઝુકી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેમના આંકડા જારી કરનાર છે. એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ ગુરુવારના દિવસે થઇ રહી છે. ઉત્તર કોરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે હવે કોઇ નવા પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ કરશે નહીં. બીજી બાજુ યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક ગુરુવારના દિવસે મળનાર છે જેમાં જુદા જુદા પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવનાર છે. બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેનું નીતિવલણ જારી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો.  બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં શાકભાજી, કઠોળની કિંમતોમાં ઘટાડો થયો છે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં યોજાનારી  ચૂંટણીની અસર હવે નાણાંકીય ૨૦૧૯માં જોવા મળશે. 

(1:04 pm IST)