Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બ્રહ્મપુત્રા - સતલજ નદીનો ડેટા આપવા હવે ચીન તૈયાર થયું

બીજિંગ તા. ૨૩ : ભારત અને ચીન વચ્ચે થયેલા દોકલામ વિવાદ બાદ ચીને બ્રહ્મપુત્રા અને સતલજ નદીના હાઇડ્રોલોજિકલ ડેટા આપવાનું બંધ કર્યું હતું, પણ હવે ચીન એ આપવા માટે તૈયાર થયું હોવાની માહિતી વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આપી હતી.  કુદરતી આફતોથી ઘેરાયેલા ઇશાન તરફી રાજયોમાં પૂર આવશે કે નહીં એ જાણવા માટે આ માહિતી અગત્યની હોય છે.

શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વિદેશ પ્રધાનોની પરિષદમાં ભાગ લેવા માટે સુષમા શનિવારે ચાર દિવસની યાત્રાએ ચીન પહોંચ્યા હતા.

આ પ્રસંગે તેઓ પોતાના સમકક્ષ વાન્ગ યીને મળ્યા હતા અને એમની સાથે સુષમાએ બંને દેશ વચ્ચે ઉચ્ચ સ્તરિય સંબંધો સુધારવા માટે અનેક મુદ્દે ચર્ચા કરી હતી.

સુષમાએ બેઠક બાદ વાન્ગ સાથે સંયુકત મીડિયા બેઠકમાં જણાવ્યું હતું કે અમે બંને દેશોને નજીક લાવવા માટે એકબીજાના દેશના લોકોનો સંપર્ક વધારવા વિશે પણ ચર્ચા કરી હતી. બ્રહ્મપુત્રા અને સતલજ નદીના ડેટા આપવા માટે સહમત થવા બદલ મેં ચીનનો આભાર માન્યો હતો, કારણ કે આ માહિતીની સીધી અસર ઇશાનના રાજયોમાં રહેતા લોકોના જીવન પર પડતી હોય છે.

ચીને ગયા વર્ષથી ડેટા આપવા બંધ કર્યા બાદ ગયા મહિને વોટર રિસોર્સિસ મંત્રાલયના અધિકારીઓની એક ટીમે પોતાના ચીનના સમકક્ષ અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.

હાલ ચીન સાથેના કરાર પ્રમાણે પૂર વખતે ચીન ભારતને બ્રહ્મપુત્રા અને સતલજ નદીના હાઇડ્રોલાોજિકલ ડેટા દર વર્ષે ૧૫મી મે અને ૧૫મી ઓકટોબરે આપે છે.(૨૧.૬)

(1:00 pm IST)