Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભારતમાં કોરોનાનો નવો વૅરિએન્ટ ડબલ મ્યુટેન્ટ મળ્યો : કેસોમાં થતા વધારાનર આ વૅરિએન્ટનો કોઈ સંબંધ નથી

દેશના 18 રાજ્યોમાંથી લીધેલા નમૂનાઓમાં એક ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ અને અન્ય વૅરિએન્ટોના 771 નવા કેસો મળ્યા

ભારતમાં કોરોનાનો નવો વૅરિએન્ટ મળ્યો છે ભારતમાં 18 રાજ્યોમાંથી એકઠા કરાયેલા નમૂનાઓમાં એક ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ અને અન્ય વૅરિએન્ટોના 771 નવા કેસો મળી આવ્યા છે.આ રાજ્યોમાંથી મેળવાયેલા 10,787 નમૂનાઓ પૈકી 736 યુ. કે. વૅરિએન્ટના નમૂના, 34 સાઉથ આફ્રિકા વૅરિએન્ટના નમૂના અને એક બ્રાઝિલના વૅરિએન્ટનો નમૂનો મળી આવ્યો છે.

તાજેતરમાં જ સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં ફરી વાર ઉછાળો નોંધાઈ રહ્યો છે ત્યારે આ રિપોર્ટ આવ્યો છે.પરંતુ સરકારના જણાવ્યા અનુસાર તાજેતરમાં કેસોમાં થયેલ વધારા સાથે આ વૅરિએન્ટનો કોઈ સંબંધ નથી.

નોંધનીય છે કે બુધવારે ભારતમાં કોરોના વાઇરસના 47,262 નવા કેસ સામે આવ્યા હતા અને 275 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1700થી વધુ નવા કેસ નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ 1790 નવા કેસ નોંધાયા.આ સાથે જ અત્યાર સુધી નોંધાયેલા કોરોના વાઇરસના આ સૌથી વધારે કેસ થઈ ગયા છે.આ પહેલાં મંગળવારે રાજ્યમાં કોરોનાના વિક્રમજનક સૌથી વધુ 1730 કેસ નોંધાયા હતા.આ દરમિયાન 1277 દરદી સાજા થયા છે, જ્યારે વધુ આઠ દરદીનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ચેપગ્રસ્ત કેસનો આંક 2,91,169 થયો છે, જેમાંથી 8,828 ઍક્ટિવ કેસ છે.રાજ્યમાં કોરોના વાઇરસને કારણે નોંધાયેલો કલ મૃતાંક 4,426 થયો છે.

આ પ્રકારના મ્યુટેશનના કોરોના વાઇરસને શરીરની રોગપ્રતિકારક શક્તિથી બચવાની કાબેલિયત આપે છે

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત કાર્યરત્ 10 રાષ્ટ્રીય લૅબોરેટરીના ગ્રૂપ, ધ ઇન્ડિયન SARS-CoV-2 કન્સોર્ટિયમ ઑન જિનૉમિક્સ (INSACOG) દ્વારા આ નમૂનાઓનું જિનોમિક સિક્વન્સિંગ કર્યું હતું. જિનૉમિક સિક્વન્સિંગ એ પરીક્ષણની એવી પ્રક્રિયા છે જે કોઈ પણ ઑર્ગેનિઝ્મના સંપૂર્ણ જિનેટિક કોડનો મૅપ તૈયાર કરે છે.

સરકારે કહ્યું કે, "મહારાષ્ટ્રમાંથી એકઠા કરાયેલા નમૂનાઓના વિશ્લેષણથી ખબર પડી કે આ નમૂનાઓમાં ગત વર્ષે ડિસેમ્બર માસની સરખામણીએ E484Q અને L452R મ્યુટેશનમાં વધારો થયો છે."

સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "આ પ્રકારના મ્યુટેશનના કારણે વાઇરસને શરીરની રોગપ્રતિકારક શક્તિથી બચવાની કાબેલિયત આપે છે અને તેને વધુ ચેપી બનાવે છે."

જોકે, સરકારે હાલમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાનો અને વાઇરસમાં થયેલા મ્યુટેશન સાથે સંબંધ હોવાની વાત નકારી હતી.

સરકારે પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે, "કોરોના વાઇરસના જુદાજુદા વૅરિએન્ટ અને અન્ય એક ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ ભારતમાંથી એકઠા કરાયેલા નમૂનાઓમાંથી મળી આવ્યા હોવા છતાં તેની સંખ્યા એટલી નથી કે તેનો તાજેતરમાં અમુક રાજ્યોમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારા સાથે સીધો સંબંધ દર્શાવી શકાય."

નોંધનીય છે કે અમુક સમય પહેલાં ઘણા નિષ્ણાતોએ સરકારને જિનૉમ સિક્વન્સિંગ માટેના પ્રયત્નો વધારવાની સલાહ આપી હતી.

આ મહિને બીબીસી સંવાદદાતા સૌતિક બિશ્વાસ સાથેની વાતચીતમાં નિષ્ણાત વાઇરોલૉજિસ્ટ ડૉ. શાહિદ જમીલે કહ્યું હતું કે, "આપણે સતત મૉનિટરિંગ દ્વારા એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે કે આ વૅરિએન્ટ પૈકી કોઈ પણ વૅરિએન્ટ સામાન્ય લોકોમાં પ્રસરી રહ્યો નથી. જો હાલમાં આવું ન બની રહ્યું હોય તો જરૂરી નથી કે ભવિષ્યમાં પણ આવું નહીં જ બને. આપણને આ અંગેના પુરાવા વેળાસર મળે એ આપણે સુનિશ્ચિત કરવાનું છે."

આ દરમિયાન કેન્દ્રીય આરોગ્યસચિવ રાજેશ ભૂષણે પત્રકારપરિષદમાં જણાવ્યું કે કોરોના વાઇરસના કેસોને ધ્યાનમાં રાખીને બે રાજ્યો અંગે ચિંતામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 28 હજાર કેસ નોંધાયા છે અને પંજાબમાં વસતીની સરખામણીએ વધારે કેસો નોંધાઈ રહ્યા છે.ભારત નોવેલ કોરોના વાઇરસનું જિનૉમ સિક્વન્સિંગ કરનાર વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે.

નોંધનીય છે કે જાન્યુઆરી, 2020માં આ વાઇરસના પ્રથમ કેસોમાંથી આ વાઇરસને આઇસોલેટ કરવામાં આવ્યો હતો.એક કરોડ 17 લાખ કરતાં વધુ કેસો અને એક લાખ 60 હજાર મૃત્યુ બાદ પણ વાઇરસના નવા મ્યુટેશન શોધવાના પ્રયત્નો ચાલુ જ છે.

ભારતમાં આ મહિનાની શરૂઆતથી કોરોનાના કેસોમાં વધારો નોંધાવા લાગ્યો હતો. આ તબક્કાને ઘણા નિષ્ણાતો ભારત માટે 'નાજુક તબક્કો' ગણાવી રહ્યા છે. કારણ કે પાછલા એક વર્ષમાં કોરોના વાઇરસને નિયંત્રણમાં લેવાના પ્રયત્નમાં દેશના આરોગ્યતંત્ર પર માઠી અસર પડી છે.

(12:26 am IST)