Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વિપક્ષના આક્રમક વિરોધ વચ્ચે NCT બિલ રાજ્યસભામાં પાસ : આપ એ ચૂંટાયેલી સરકારના અધિકાર સમાપ્ત કરનારુ ગણાવ્યું

રાજ્યસભાની કાર્યવાહી અનેકવાર સ્થગિત થઈ :વિપક્ષી સભ્યોએ 'તાનાશાહી બંધ કરો' ના નારા લગાવી બિલનો વિરોધ કર્યો

નવી દિલ્હી : દિલ્હીમાં એલજી અને ચૂંટાયેલી સરકારના અધિકાર ક્ષેત્રોને સ્પષ્ટ કરનાર બિલને લઈને બુધવારે વિપક્ષના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી અનેકવાર સ્થગિત થઈ હતી. વિપક્ષી સભ્યોએ 'તાનાશાહી બંધ કરો' ના નારા લગાવી બિલનો વિરોધ કર્યો. આમ રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયક એટલે કે  Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2021 (GNCTD Bill) પાસ થઈ ગયું છે. મહત્વનું છે કે આ બિલને સોમવારે રાજ્યસભાની મંજૂરી મળી ગઈ હતી. 
 

રાજ્યસભામાં વિપક્ષે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા દિલ્હીમાં પાછલા દરવાજાથી પોતાની સરકાર ચલાવવા ઈચ્છે છે. આમ આદમી પાર્ટીએ તેને ચૂંટાયેલી સરકારના અધિકાર સમાપ્ત કરનારુ ગણાવ્યું છે. કોંગ્રેસે પણ આ બિલનો આક્રમક વિરોધ કર્યો છે

GNCTD Bill પર વિપક્ષના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સાંજે આશરે 6 કલાકે 10 મિનિટ માટે સ્થગિત થઈ હતી. ગૃહની કાર્યવાહી શરૂ થઈ તો 5 મિનિટ બાદ હંગામાને કારણે ફરી 10 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. 6.25 કલાકે ગૃહની કાર્યવાહી શરૂ થઈ અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ બિલને ગેરબંધારણીય ગણાવતા તેનો વિરોધ કર્યો હતો. 

(10:18 pm IST)