Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કુંભ માટે તમામે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આપવો પડશે

કોરોના સંક્રમણની બીજી લહેરની કુંભ પર અસર :હાઈકોર્ટે સરકારની ટીકા કરી, વેક્સિન લીધી હોય તેમણે પણ કુંભ સ્નાન માટે નેગેટિવનું સર્ટિફિકેટ દર્શાવવું પડશે

દેહરાદૂન, તા. ૨૪ : દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત આવી રહેલા ઉછાળાને પગલે ફફડાટ ફેલાયો છે. કોરોના સંક્રમણની બીજી લહેરથી હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ ઉપર પણ પ્રભાવ પડ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે કુંભમાં આવતા તમામ લોકોએ પોતાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ બતાવવો આવશ્યક રહેશે. હાઈકોર્ટે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતના નિર્ણયની ટીકા કરી હતી જેમાં તેમણે કુંભમાં આવવા માટે યાત્રાળુને કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું.

ઉત્તરાખંડ હાઈકોર્ટે કુંભ મેળા અંગે દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા આદેશ આપ્યો કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરવામાં આવે. આ ઉપરાંત હાઈકોર્ટે જણાવ્યું હતું કે તે લોકોએ વેક્સિન લીધી છે અને તેઓ કુંભ સ્નાન કરવા આવે છે તો તેમણે પોતાનું સર્ટિફિકેટ દર્શાવવું પડશે અને તોજ તેમને ટેસ્ટમાંથી રાહત મળી શકશે. અન્ય તમામ લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે અને રિપોર્ટ નેગેટિવ આવશે તેને જ કુંભ મેળવામાં જવા મંજૂરી આપવામાં આવશે.

ઉત્તરાખંડમાં ચાલુ મહિને કુંભ મેળો શરૂ થયો છે. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કુંભમાં આવતા લોકો માટે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ જરૂરી બનાવ્યો હતો. જો કે તાજેતરમાં જ નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પૂર્વ સીએમના નિર્ણયને બદલતા કહ્યું કે કુંભમાં કોઈ પ્રતિબંધ નહીં હોય. તેમણે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ના હોય તો પ્રતિબંધ હટાવ્યો હતો. તીરથ સિંહ રાવતના નિર્ણયની નિંદા થઈ હતી. હાલમાં જ કેન્દ્રની આરોગ્ય ટીમ ઉત્તરાખંડ ગઈ હતી અને તેમણે ચેતવણી આપી હતી તેમજ નિયમોમાં કચાસની વાત પણ કરી હતી.  

(9:24 pm IST)