Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

નિકિતા તોમર હત્યા કેસમાં તૌસિફ અને રેહાન દોષિત

ફરિદાબાદના બહુચર્ચિત હત્યા કેસનો ચુકાદો : તૌસિફે રેહાન સાથે મળીને નિકિતાને ગોળી મારીને હત્યા કરી હતી, બંને દોષિતોને ૨૬ માર્ચે સજા કરવામાં આવશે

ફરીદાબાદ, તા. ૨૪ : ફરીદાબાદના બહુચર્ચિત નિકિતા તોમર હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. બુધવારે કોર્ટે આ કેસમાં બે આરોપી તૌસિફ અને રેહાનને દોષી ઠેરવ્યા છે. જ્યારે હથિયાર સપ્લાય કરનાર આરોપી અઝહરુદ્દીનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. બંને દોષિતોને ૨૬ માર્ચે સજા કરવામાં આવશે. આ કેસમાં કુલ ૫૭ સાક્ષીઓએ જુબાની આપી છે. તૌસિફે તેના મિત્ર રેહાન સાથે મળીને નિકિતાને ગોળી મારીને હત્યા કરી હતી.

ઉત્તરપ્રદેશના હાપુરમાં રહેતી નિકિતા તોમર અગ્રવાલ કોલેજમાં બી.કોમ.ના અંતિમ વર્ષની વિદ્યાર્થિની હતી. ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સાંજે લગભગ ૪ વાગ્યે જ્યારે તે પરીક્ષા આપીને કોલેજમાંથી બહાર નીકળી ત્યારે સોહના નિવાસી તૌસિફે તેના મિત્ર રેહાન સાથે મળીને તેનું અપહરણ કરી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન નિકિતાએ ના પાડતા તૌસિફે તેની હત્યા કરી નાખી હતી. ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.

જણાવી દઈએ કે, ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ હરિયાણાના વલ્લ્ભગઢમાં નિકિતા તોમરની કોલેજની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સોહના નિવાસી તૌસિફ નામના યુવકે તેને ગોળી મારી હતી. તેની સાથે રેહાન નામનો એક યુવક પર ઘટનાસ્થળે હાજર હતો. જ્યારે અઝહરુદ્દીન નામના યુવકે તૌસિફને હત્યામાં વપરાયેલા હથિયારનો સપ્લાય કર્યો હતો. જો કે, કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે. જ્યારે દોષી જાહેર થયેલા તૌસિફ અને રેહાનને ૨૬ માર્ચ એટલે કે, શુક્રવારે સજા સંભળાવવામાં આવશે.

(9:23 pm IST)