Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મંચ પર પગે લાગવા આવેલા કાર્યકરના પગમાં પડી પીએમ મોદીએ પ્રણામ કર્યા

ભાજપે ટ્વીટર હેન્ડલ પર તેને ‘સંસ્કાર ભાવ’ ગણાવી લખ્યુ છે કેભાજપ એક સુસંસ્કૃત સંગઠન છે. જ્યાં કાર્યકર્તાઓમાં એક બીજા પ્રત્યે સમાન સંસ્કારની લાગણી હોય છે.

કોલકતા :પશ્ચિમ બંગાળમાં ભાજપનો એક કાર્યકર વડાપ્રધાનને પગે લાગવા આવ્યો તો પીએમ મોદી તેની તરફ આગળ વધ્યા અને તેના જ પગમાં નમી પડ્યા અને અભિવાદન કરવા લાગ્યા. બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મંચ પર એક અણધારી ઘટના જોઇ મંચ પર હાજર તમામ લોકો પહેલાં તો ડઘાઇ ગયા. પરંતુ પાછળથી ભાજપે પોતાને એક સુસંસ્કૃત પક્ષ ગણાવી પ્રચારનો એક ભાગ બનાવી દીધો.

વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં ભવ્ય સભાઓ ગજવી રહ્યા છે. બુધવારે કાંઠીમાં તેમની એક સભા હતી. જ્યારે મંચ પર લોકોનું અભિવાદન કર્યા બાદ જેવા ખુરશી પર બેસી ગયા. ત્યારે ખેસ નાંખી એક કાર્યકર તેમની તરફ હાથ જોડીને આવ્યો અને પીએમના પગ લાગવા ગયો. પરંતુ તે પહેલાં તો વડાપ્રધાન પોતે તેના પગ લાગી ગયા અને પ્રણામ કર્યું

 જાહેર કરવામાં આવ્યું કે મંચ પર પગે લાગનાર કાર્યકર છે. પરંતુ એવું કહેવાય છે કે તેમનું નામ અનુપ ચક્રવર્તી છે અને તેઓ કાંથીના ભાજપ પ્રમુખ છે. પરંતુ ભાજપે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર તેને ‘સંસ્કાર ભાવ’ ગણાવી લખ્યુ છે કે ભાજપ એક સુસંસ્કૃત સંગઠન છે. જ્યાં કાર્યકર્તાઓમાં એક બીજા પ્રત્યે સમાન સંસ્કારની લાગણી હોય છે.

આ ઘટના ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. જો કે ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે વડાપ્રધાનની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એક સામાન્ય કાર્યકર્તા કેવી રીતે મંચ પર પહોંચી ગયો. કેટલાક વાંક દેખ્યાઓને તો એવું પણ લાગી રહ્યું છે કે આ પણ ભાજપની ચૂંટણીના પ્રચારનો જ એક ભાગ છે.

  અહીં સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે તૃણમુલ સરકારે બંગાળને માત્ર અંધકાર આપ્યું છે. ભાજપની ડબલ એન્જીન સરકાર બંગાળને સોનાર બાંગ્લા બનાવી દેશે. તેમણે કહ્યું કે દીદીના રાજમાં અહીં હિંસા અને બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવે છે. ધડાકામાં આખે આખ શરીર ઊડી જાય છે અને દીદીના સરકાર માત્ર જોતી રહે છે. આ સ્થિતિને આપણે મળીને બદલવી છે. બંગાળને શાંતિ જોઇએ, સ્થિરતા જોઇએ. બોમ્બ-બંદૂકો અને હિંસાથી મુક્તિ જોઇએ.

 વડાપ્રધાન મોદીએ વધુમાં મમતા બોનરજીની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે,“તમે લોકોએ મમતા દીદીને 10 વર્ષ કામ કરવાની તક આપી. તમારી વચ્ચે આવી તેમણે કામનો હિસાબ આપવો જોઇએ. પરંતુ દીદી તમને હિસા આપી રહ્યાં નથી. પણ હિસાબ માંગનારાને ગોળીઓ મારી રહ્યા છે. તેમના પર ગુસ્સે થઇ રહ્યાં છે

  પીએમ મોદીએ મમતા બેનરજી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે,જે બંગાળે સમગ્ર ભારતને વન્દે માતરમની લાગણીથી બાંધ્યા છે, તે બંગાળમાં મમતા દીદી ‘બોહિરાગોતો’ (બહારના) ની વાત કરી રહ્યાં છે. ભાજપની ડબલ એન્જીન સરકાર હલ્દિયાને નદી જળમાર્ગોથી જોડી રહી છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના સ્ટીલ પ્લાન્ટ્સ અને અન્ય ઉદ્યોગો માટે આયાત નિકાસ થશે. તેના માટે હલ્દિયા મહત્વનું કેન્દ્ર બનશે

(8:02 pm IST)