Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મહારાષ્ટ્રના નાંદેડ અને બીડમાં ચાર એપ્રિલ સુધી લોકડાઉન

દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં :જીવનજરુરી ચીજવસ્તુઓની દુકાનો સવારે ૭ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ખૂલ્લી રહેશે, રાજ્ય સરકારની નાગરિકોને ગંભીરતા દાખવવા અપીલ

નવી દિલ્હી, તા. ૨૪ : દેશમાં સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્રના બે જિલ્લામાં રાજ્ય સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જે અનુસાર, નાંદેડ અને બીડમાં આજે રાત્રે ૧૨ વાગ્યાથી લોકડાઉન લાગુ પડી જશે, જે ૪ એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ દરમિયાન જીવનજરુરી ચીજવસ્તુઓની દુકાનો સવારે ૭ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ખૂલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. રોજેરોજ નોંધાઈ રહેલા કેસોની સંખ્યા ૨૦૨૦ના સ્તરને પણ પાર કરી ગઈ છે.

હજુ ગઈકાલે જ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે, કોરોનાનો પ્રસાર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા માટે લોકડાઉનનો વિકલ્પ ખૂલ્લો છે. સીએમે ગઈકાલે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી હતી. હાલ મહારાષ્ટ્રમાં નાગપુર ઉપરાંત, મુંબઈ અને પુણેમાં પણ નવા કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. તેવામાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને ચેતવણી આપી છે કે જો પ્રજા ગંભીર નહીં થાય તો સરકાર પાસે લોકડાઉન લાદવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.

ગુજરાત સરકારે પણ હોળીને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. સરકારે જણાવ્યું છે કે, હોળીને દર વર્ષની માફક પરંપરાગતરુપે નહીં, પરંતુ મર્યાદિત રિવાજો સાથે મનાવવામાં આવશે. આયોજકોએ કોરોનાની ગાઈડલાઈન્સનું સખ્તાઈથી પાલન કરવાનું રહેશે. ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી તેમજ લોકોના ભેગા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

બીજી તરફ, કેન્દ્ર સરકારે પણ રાજ્યોને કોરોનાને કાબૂમાં લેવા માટે પોતાની રીતે નિયંત્રણો મૂકવા માટે જણાવ્યું છે. કેન્દ્ર સરકારના એડિશનલ હેલ્થ સેક્રેટરીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં સલાહ આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં હોળી, ઈસ્ટર, ઈદ જેવા તહેવારો આવી રહ્યા છે. આ દરમિયાન ભીડ ભેગી ના થાય તે સુનિશ્ચિત કરવા સરકારો સ્થાનિક સ્તરે નિયંત્રણો મૂકી શકે છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૪૭,૨૬૨ નવા કેસ નોંધાયા છે. જેમાંથી મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતનો ૭૭.૪૪ ટકા જેટલો ફાળો છે. દેશમાં નોંધાયેલા કુલ કેસોમાં ૮૧.૬૫ ટકા માત્ર છ રાજ્યોમાં જ નોંધાયા છે. ૨૪ કલાકમાં કુલ ૨૭૫ લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાંથી ૧૮૨ મૃતકો મહારાષ્ટ્રના, ૫૩ પંજાબના, ૨૦ છત્તીસગઢના, ૧૦ કેરળ અને ૫ કર્ણાટકના છે. કોરોનાના પ્રસારની સ્પીડ પણ પણ કેટલાક દિવસોમાં વધી ગઈ છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, માર્ચમાં કેસોનો ડબલ થવાનો ગળો ૫૦૪ દિવસ હતો, જે ૨૨ માર્ચે વધીને ૨૦૨ દિવસ થઈ ગયો છે. જોકે, હાલ દેશમાં જેટલા પણ એક્ટિવ કેસ છે, તેમાંથી ૭૫.૨ ટકા મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબના છે.

એક તરફ દેશમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણને પણ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. ગઈકાલે જ સરકારે જાહેરાત કરી હતી કે ૧ એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વય ધરાવતા તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. હાલના નિયમ અનુસાર, જો કોઈ વ્યક્તિની ઉંમર ૪૫થી વધુ હોવાની સાથે તેને કોઈ બીજી તકલીફ હોય તો જ તેને રસી અપાય છે.

(7:36 pm IST)