Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને દિલ્હી હાઇકોર્ટની રાહત : બે વર્ષની સજા ઉપર રોક : જામીન મંજુર

ન્યુદિલ્હી :  2016 ની સાલમાં દિલ્હી ખાતેની AIIMS ની દીવાલ ઉપર બુલડોઝર ફેરવાવી દેવાના આરોપસર મેજિસ્ટ્રેટ કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને  બે વર્ષની સજા ફરમાવી હતી.

સોમનાથ ભારતીએ તેમને ફરમાવાયેલી સજાની વિરુદ્ધ દિલ્હી અપીલ કોર્ટમાં કરેલી અપીલના અનુસંધાને  વિશેષ ન્યાયાધીશ (સાંસદો / ધારાસભ્યોના કેસો) વિકાસ ધુલ દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો હતો .જેના અનુસંધાને તેઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

તેમના એડવોકેટે  દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કરેલી દલીલમાં જણાવ્યું હતું કે કોર્ટએ માત્ર મનઘડંત આરોપોને ધ્યાનમાં લઇ ચુકાદો આપ્યો છે.તેમના ઉપરના આરોપો રાજકારણથી પ્રેરિત છે.જેના કોઈ પુરાવાઓ નથી.

વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે.તથા પોતાના વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.તેઓ ઉપર માત્ર કિન્નાખોરીથી આરોપો લગાવાયા છે.જેના કોઈ પુરાવાઓ નથી.

સોમનાથ ભારતીના એડવોકેટની દલીલોને ધ્યાને લઇ નામદાર કોર્ટે તેમને ફરમાવાયેલી સજા ઉપર રોક લગાવી છે.તથા અપીલ કોર્ટ દ્વારા ફરમાવાયેલા ચુકાદા બાદ કરાયેલી ધરપકડથી પણ મુક્ત કર્યા છે. તથા તેમના જામીન મંજુર કર્યા છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:04 pm IST)