Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જીએસટીમાં લવાય તો પેટ્રોલ ૪૭.૬૫નું તથા ડીઝલ ૪૮.૨૯નું મળે ક્રૂડના ભાવમાં કડાકોઃ તત્કાલ પેટ્રોલ-ડીઝલમાં બે-બે રૂપિયા ઘટવાના એંધાણ

ક્રૂડનો ભાવ ૬૮ ડોલરથી ઘટીને ૬૪ ડોલર થયોઃ બન્ને ઈંધણમાં બે-બેનો ઘટાડો શકયઃ જીએસટીમાં જો ૨૮ ટકાના મહત્તમ સ્લેબમા રખાય તો પણ બન્નેના ભાવ અડધા થઈ જાયઃ હાલ પેટ્રોલના ભાવમાં ૬૦ ટકા અને ડીઝલમાં ૫૪ ટકા હિસ્સો રાજ્ય અને કેન્દ્રના ટેકસનો છે

નવી દિલ્હી, તા. ૨૪ :. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોમાં હવે રાહત મળે તેવા એંધાણ મળી રહ્યા છે. બન્ને ઈંધણના ભાવમાં રૂ. ૨ - ૨નો ઘટાડો થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. ક્રૂડનો ભાવ ૧૫ દિવસ પહેલા ૬૮ ડોલર પ્રતિ બેરલ હતો જે હવે ઘટીને ૬૪ ડોલરની અંદર ચાલ્યો ગયો છે. ક્રૂડના ભાવમાં ૫ ટકાનો ભાવ ઘટાડો નોંધાયો છે. આ જ ગાળામાં ગ્લોબલ બેન્ચમાર્ક બ્રીન્ટનો ભાવ પણ ૧૦ ટકા જેટલો તૂટી ગયો છે. ૮મી માર્ચે તેનો ભાવ ૭૦ ડોલર હતો. દરમિયાન દેશમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની સરકારે વિચારણા હાથ ધરી છે અને તેનો નિર્ર્દેેશ નાણામંત્રીએ પણ આપ્યો છે. જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામા લવાય અને ૨૮ ટકાના મહત્તમ સ્લેબમાં રખાઈ તો તેનો ભાવ ધરખમ ઘટી જશે. ગણતરી કરતા દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૪૭.૬૫ રૂ. અને ડીઝલનો ભાવ ૪૮.૨૯ રૂ. પ્રતિ લીટર થઈ શકે છે.

આજે ક્રૂડનો ભાવ અનેક દેશોમાં ૪ ટકા ઘટીને ૬૧.૯૩ ડોલર થયો છે. ઓઈલ રીફાઈનરીઓ અને રીટેલરો ૧૫ દિવસની એવરેજના હિસાબથી ભાવ નક્કી કરતા હોય છે. જેમા ડોલર સામે રૂપિયાનો પણ સમાવેશ થાય છે. છેલ્લે ૨૮ ફેબ્રુઆરીએ ભાવની સમીક્ષા કરતા ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં ૪ અને ડીઝલમાં ૨ની ખોટ જતી હતી.

ફેબ્રુઆરી ૧૭ના રોજ ક્રૂડનો ભાવ મહત્તમ સપાટીએ હતો જેને કારણે દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂ. થઈ ગયો હતો. જેમા મુંબઈનો પણ સમાવેશ થઈ ગયો હતો. અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે માર્ચ ૧૬ અને ૫ મીના રોજ અનુક્રમે પેટ્રોલમાં ૧૩ રૂ. અને ડીઝલમાં ૧૬ રૂ. એકસાઈઝ ડયુટી વધારી હતી. હવે બન્ને ઈંધણને જીએસટી હેઠળ લાવવાની વાતો થાય છે. પેટ્રોલના ભાવમાં ૬૦ ટકા અને ડીઝલના ભાવમાં ૫૪ ટકા હિસ્સો કેન્દ્ર અને રાજ્યના કરોનો છે. રાજ્યો પોતાના હિસાબથી પેટ્રોલ અને ડીઝલ પર એડવેલોરીયમ ટેકસ, સેસ, એકસ્ટ્રા વેટ અને સરચાર્જ લગાવે છે. કેન્દ્ર અને રાજ્યોની ટેકસ આવકનો મોટો હિસ્સો સેલ્સ ટેકસ કે વેટથી આવે છે. આજ કારણે સરકાર બન્ને ઈંધણને જીએસટીના દાયરામાં લાવવા નથી ઈચ્છતી.

ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૧.૧૭ અને ડીઝલનો ભાવ ૮૧.૪૭ હતો. દિલ્હીમાં પેટ્રોલની બેઝ પ્રાઈઝ ૩૩.૨૬ રૂ. અને ડીઝલની ૩૪.૯૭ રૂ. હતી. આ પ્રકારે ડીઝલ પર ૫૩.૯૪ રૂ. અને ડીઝલ પર ૪૩.૭૪ રૂ. ટેકસ હતો. પ્રતિ લીટર ૦.૨૮ રૂ. ફ્રેટ પ્રાઈઝની સાથે તેનો ભાવ ૩૩.૫૪ રૂ. પ્રતિ લીટર બેસે છે. તેના પર ૩૨.૯ રૂ. એકસાઈઝ ડયુટી, ૩.૬૯ રૂ. ડીલર કમિશન અને ૨૧.૦૪ રૂ. વેટ લાગે છે. ડીઝલ પર ૩૧.૮ રૂ. એકસાઈઝ ડયુટી, ૨.૫૧ રૂ. ડીલર કમિશન અને ૧૧.૯૪ રૂ. વેટ લાગે છે.

પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવાથી તેનો ભાવ દિલ્હીમાં ક્રમશઃ ૪૭.૬૫ રૂ. અને ૪૮.૨૯ રૂ. પ્રતિ લીટર આવી શકે છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ડીલરને ૩૩.૫૩ રૂ. બેસે છે. જેમાં એકસાઈઝ ડયુટી અને ટેકસ સામેલ નથી. ૩.૬૯ રૂ. ડીલર કમિશન અને ૧૦.૪૨ રૂ. (૨૮ ટકાના દરથી) લઈએ તો ભાવ ૪૭.૬૫ રૂ. થઈ શકે છે. આ જ પ્રકારે દિલ્હીમાં ડીઝલનો ભાવ ડીલરને રૂ. ૩૫.૨૨મા પડે છે. ૨.૫૧ રૂ. ડીલર કમિશન અને ૧૦.૫૬ રૂ. (૨૮ ટકાના દરથી) તે રૂ. ૪૮.૨૯ થઈ શકે છે.

સરકારી આંકડા મુજબ ગયા નાણાકીય વર્ષમાં કેન્દ્ર અને રાજ્યને પેટ્રોલીયમ સેકટરથી ૫૫૬ લાખ કરોડ રૂપિયાની આવક મળી. જો બન્નેને જીએસટીમાં લવાય તો કેન્દ્ર અને રાજ્યોને ૧ લાખ કરોડ રૂપિયાનો બોજો પડે જે દેશની જીડીપીના ૦.૪ ટકા રહેશે. અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ જો જીએસટીના દાયરામાં લવાય તો પેટ્રોલનો ભાવ ૭૫ રૂ. લીટર અને ડીઝલનો ભાવ ૬૮ રૂ. થઈ શકે છે. તેઓએ ક્રૂડનો ભાવ ૬૦ ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો ભાવ ૭૩ રૂ.નો હિસાબથી નક્કી કર્યો છે.

(4:12 pm IST)