Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કિતના બદલ ગયા સંસાર...

લોકડાઉનના મુશ્કેલ સમયે ઘણું બધુ શીખવી દીધું

નવી દિલ્હી તા. ૨૪ : મુશ્કેલ સમય આપણને નવી વસ્તુઓ શીખવા પ્રેરિત કરે છે. આ નવી વાતો આપણું અસ્તિત્વ બચાવવામાં મદદ કરે છે તો બીજી તરફ આગળ વધવાની તાકાત આપે છે. લોકડાઉને પણ આવું જ કર્યું છે.

ઘરેથી કામ કરવું, નવી ટેકનીકોને આપણા જીવનનો ભાગ બનાવવો, ઘરમાં વધારે સમય વ્યતિત કરવો, મિત્રો - સગાઓ સાથે સંબંધો ફરીથી ગાઢ બનાવવા, મનોરંજનની નવી નવી રીતોનો સ્વીકાર કરવો, એ કેટલીક વાતો છે જે આપણે કોરોના મહામારીના કારણે આવેલ લોકડાઉનમાં શીખી. આ બધાની આપણા જીવન પર શું અસર થઇ આવો તે જાણીએ.

વર્કફ્રોમ હોમ

લોકડાઉનના કારણે વર્કફ્રોમ હોમનું ચલણ ઝડપથી વધ્યું. લોકડાઉન ખુલ્યા પછી પણ આઇટી સહિતના ઘણા સેકટરો કર્મચારીઓ પાસેથી ઘરેથી જ કામ કરાવી રહ્યા છે. વર્કફ્રોમ હોમ હવે જીવનનો એક ભાગ બની ગયું છે. નવેમ્બર ૨૦૨૦ મેવરીક ઇન્ડીયાનો સર્વે રિપોર્ટ છે કે ઘરેથી કામ કરનાર ૫૬ ટકા ભારતીય લોકોની ઉત્પાદકતા વધી ગઇ છે. ૩૪ ટકા તો ૧૦ ટકા પગાર ઓછો મળે તો પણ ઘરેથી કામ કરવા રાજી છે.

મહિલાઓએ કરી ડબલ મહેનત

લોકડાઉને મહિલાઓને ખાસ અસર કરી એક બાજુ ઘરેથી કામ કરતા કરતા પરિવાર સાથે સંતુલન જાળવવાનો પડકાર હતો તો બીજી તરફ ઘરમાં પુરાઇ રહેવાના કારણે માનસિક તકલીફો પણ વધી રહી હતી. લોકડાઉન દરમિયાન તેમના કામમાં ૨૫ થી ૩૦ ટકા વધારો થયો હતો.

(3:22 pm IST)