Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કોરોના બેકાબુઃ ૪૭૨૬૨ નવા કેસઃ ૨૭૫ના મોતઃ હોળી-ધૂળેટી ફિક્કી રહેશે

દેશમાં કોરોનાની સ્પીડ ઘટતી જ નથીઃ દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૬૦૪૪૧: કુલ કેસ ૧૧૭૩૪૦૫૮: એકટીવ કેસ ૩૬૮૪૫૭ : હોળી-ધૂળેટીને લઈને અનેક રાજ્યોેએ બહાર પાડી ગાઈડલાઈન્સઃ લોકોએ તહેવારો ઘરમાં જ મનાવવા પડશેઃ વિશ્વસ્તરે કોરોના હજુ અશાંતઃ ૧૨.૪૮ કરોડ કુલ દર્દીઓઃ ૨૭.૪૬ લાખનો મોતઃ ૨.૧૨ કરોડ એકટીવ કેસ

નવી દિલ્હી, તા. ૨૪ :. દેશમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭૨૬૨ નવા કેસ આવ્યા છે. એ દરમિયાન ૨૩૯૦૭ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૫ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૧૭૩૪૦૫૮ કુલ કેસ આવ્યા છે આમાથી ૧૧૨૦૫૧૬૦ લોકો સાજા પણ થયા છે, જ્યારે ૧૬૦૪૪૧ લોકોને કોરોના ભરખી ગયો છે. હાલ ૩૬૮૪૫૭ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કુલ ૨૫૩૩૦૨૬ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં ૫૩૫૮૯ લોકોના મોત થયા છે. હાલ ૨૩૧૯૪૨ કેસ એકટીવ છે. દરમિયાન કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે દિલ્હી, બિહાર, યુપી, એમપી સહિતના રાજ્યોએ હોળીના તહેવારોને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે અનુસાર લોકોએ ઘરની અંદર જ હોળી-ધૂળેટી મનાવવી પડશે. અનેક રાજ્યોએ જાહેરમાં હોળી રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે. દિલ્હીમાં કોઈપણ જાહેર કાર્યક્રમ આયોજીત નહી કરી શકાય. મુંબઈ અને ચંદીગઢમાં પણ આવા જ નિયમો બનાવવામાં આવ્યા છે. બિહારમાં હોળી મિલન સમારોહ નહિ યોજી શકાય તો એમપીમાં લોકોએ ઘરમાં જ હોળી મનાવવી પડશે. વિવિધ રાજ્યોએ પોતપોતાના રાજ્યો માટે અલગ અલગ ગાઈડલાઈન્સ જારી કરી છે. જેમા મુંબઈનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ, ઓડીશા સહિતના રાજ્યોમાં પણ હોળી-ધૂળેટીના તહેવારો પર નિયંત્રણો મુકી દેવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાની રફતાર બેકાબુ છે. એ જોતા લોકોને સાવચેતી રાખવા અપીલ થઈ છે. કોરોનાની રફતાર વધતા ટેસ્ટીંગ વધ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૫૬૨૮નું ટેસ્ટીંગ થયુ છે. આ સાથે ૨૩૬૪૩૮૮૬૧ કુલ ટેસ્ટીંગ થયા છે.

દરમિયાન વિશ્વ સ્તરે વાત કરીએ તો વિશ્વમાં કુલ ૧૨૪૮૦૨૬૫૨ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં ૨૭૪૬૨૭૩ લોકોના મોત થયા છે. એકટીવ કેસ ૨૧૨૨૭૫૦૨ છે. અમેરિકામાં ૩ કરોડથી વધુ કેસ નોંધાયા છે અને ૫.૫૬ લાખથી વધુ લોકોના મોત થયા છે.

(10:41 am IST)