Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઓનલાઇન ભણવામાં વિક્ષેપ ન પડે તે માટે સોનુ સૂદ આપશે ૩૦૦ વિદ્યાર્થીઓને મોબાઇલ

લોકડાઉનમાં પ્રવાસી મજૂરોના મસીહા બનેલ એકટર સોનુ સૂદ હવે બેટી બચાવો બેટી પઢાઓને વેગ આપી રહ્યા છે

મુંબઇ,તા. ૨૪: લોકડાઉનમાં પ્રવાસી મજૂરોના મસીહા બનેલ એકટર સોનુ સૂદ હવે બેટી બચાવો બેટી પઢાઓને વેગ આપી રહ્યા છે. જે અંતર્ગત હવે સોનુ સૂદ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓને મદદ કરવા માટે આગળ આવ્યો છે. ઓનલાઇન કલાસમાં થતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સોનુએ મદદનો વિશ્વાસ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન છેલ્લા એક વર્ષથી ભણતરમાં સમસ્યાઓ આવી રહી છે. મહામારીને કારણે મોટાભાગના રાજયોમાં સ્કૂલો બંધ છે. જેને લઈને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. શહેરોમાં અને સુખી સંપન્ન પરિવારોના સંતાનો ઓનલાઇન શિક્ષણનો લાભ આસાનીથી લઇ શકે છે. જોકે, ઘણા બાળકો એવા છે જેમની પાસે સ્માર્ટ ફોન નથી, જેના કારણે કલાસ કરવા મુશ્કેલ છે.

ત્યારે ઉત્ત્।રપ્રદેશના સ્વયંસેવી સંસ્થાએ સ્કૂલની વિદ્યાર્થીનીઓને મોબાઈલ આપવાની માંગ કરી છે. આ અંગે વાત્સલ્ય નામની એક NGOએ સોનુને ટ્વીટ કર્યું કે, ૩૦૦ વિદ્યાર્થીનીઓ લોકડાઉનમાં ભણી શકી નથી, કારણ કે તેમની પાસે સ્માર્ટફોન્સ નથી. તમારી મદદથી યુપીના આ ગામના ૩૦૦ પરિવારોની ભવિષ્ય બદલાઈ શકે છે. સાથે જ NGOએ ભણવા બેસેલી વિદ્યાર્થીનીઓની તસ્વીર પણ શેર કરી છે. ત્યારે સોનુએ પણ તરત જ રીટ્વીટ કર્યું અને કહ્યું, '૩૦૦ વિદ્યાર્થીનીઓના ઓનલાઇન કલાસ હવે મિસ નહીં થાય, તેમના મોબાઈલ આ સપ્તાહમાં પોહંચી જશે.'

મહત્વનું છે કે, કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે લોકો પરેશાન થયા હતા. તે દરમિયાન સોનુ સૂદ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. તે જ ઘડીથી લોકો સોનુ સૂદ પાસેથી મદદ માંગી રહ્યા છે. જે હજી પણ યથાવત છે. લોકો જેમ જેમ સોનુની મદદ માંગે છે, તેમ-તેમ સોનુ દરેક સંભવ મદદ કરે છે.

(10:11 am IST)