Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મમતા બેનરજીને ૧૩૬-૧૪૬, ભાજપને ૧૩૦-૧૪૦ અને કોંગ્રેસ ડાબેરીઓને ૧૪-૧૮ સીટોનું અનુમાન, અન્યને ૧-૩ બેઠકો

ચૂંટણી પૂર્વે રસપ્રદ સર્વેઃ કોઇને બહુમતી નહિ :આ સર્વે અનુસાર મમતા દીદીને સત્તા મેળવવામાં પડી શકે છે મુશ્કેલીઃ ભાજપને આક્રમક પ્રચાર અને વ્યૂહાત્મક રણનીતિનો મળશે ફાયદો

નવી દિલ્હી, તા.૨૪: પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન આજથી ચાર દિવસ બાદ થશે. જો કે આની પહેલા એક જાણીતા ઓપિનિયન પોલમાં બંગાળની જનતાના મનને વાંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ABP ન્યુઝ ચેનલ માટે CNX એજન્સી દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે, જેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે શું બંગાળમાં આ ચૂંટણી પછી મમતા બેનર્જી ફરી એકવાર સત્તામાં પાછા ફરશે કે ભાજપ જીતશે, અથવા તો કોંગ્રેસ, ડાબેરી અને આઈએસએફ ગઠબંધન કિંગ મેકર બનશે કે કેમ?

ABP ન્યૂઝ માટે CNX દ્વારા તાજેતરના સર્વે અનુસાર,  મમતા બેનરજીની પાર્ટી TMC ને પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકોની ૨૯૪ બેઠકોમાં ૧૩૬ થી ૧૪૬ બેઠકો મળવાનો અંદાજ છે. એટલે કે, તેની સ્પષ્ટ બહુમતી આવવાની શકયતાઓ ધૂંધળી થતી દેખાઈ રહી છે, મહત્વનું છે કે બંગાળમાં કોઈપણ પક્ષ કે ગઠબંધનને સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો મેળવવી જરૂરી છે.

સર્વે મુજબ ભાજપને ૧૩૦ થી ૧૪૦ બેઠકો મળી શકે છે. એટલે કે, સ્પર્ધા ખૂબ કસોકસની બની શકે છે. કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધનને ૧૪ થી ૧૮ બેઠકો મળવાની સંભાવના છે. જયારે અન્ય પાસે ફકત ૧ થી ૩ બેઠકો જઈ શકે છે.

પશ્ચિમ બંગાળનું ઓપિનિયન પોલ

TMC ૧૩૬-૧૪૬

BJP  ૧૩૦-૧૪૦

કોંગ્રેસ + ડાબેરી ગઠબંધન ૧૪-૧૮

અન્ય ૧-૩

મહત્વનું છે કે વર્ષ ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ (TMC)એ ૨૧૧ બેઠકો જીતીને સરકાર બનાવી હતી જયારે કે ભાજપને માત્ર ત્રણ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસને ૪૪ બેઠકો મળી હતી અને ડાબેરીઓને ૨૬ બેઠકો મળી હતી. આ વખતે પશ્યિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન  યોજાશે અને ૨ મેના રોજ મત ગણતરી કરવામાં આવશે.

(10:08 am IST)