Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મનસુખ હિરણ મર્ડર કેસમાં બહાર આવી રહી છે ચોંકાવનારી વિગતો

૧૪ મોબાઇલ, ૯૩ સિમ કાર્ડના ઉપયોગ બાદ કામ હો ગયા આરોપીઓએ ગુનો બહુ જ કાળજીપૂર્વક પ્લાન કર્યો હોવાથી તપાસ કરવી સહેલી નથીઃ તેઓ એક સિમ કાર્ડથી એક જ મેસેજની આપ-લે કરતા હતાઃ હત્યા શું કામ કરવામાં આવી એ હજી અસ્પષ્ટ

Alternative text - include a link to the PDF!

મુંબઇ, તા.૨૪: મનસુખ હિરણની હત્યાના કેસમાં એન્ટિ-ટેરરિસ્ટ સ્કવોડે (એટીએસ) ગુજરાતી બુકી નરેશ ગોર અને મુંબઈ પોલીસના ભૂતપૂર્વ હવાલદાર વિનાયક શિંદેની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરતાં આ કેસને લગતી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આ આખો ગુનો બહુ જ સાવચેતીપૂર્વક ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખીને કરવામાં આવ્યો હોવાનું એટીએસનું કહેવું છે.

એટીએસનાં સૂત્રોએ કહ્યું હતું કે 'આરોપીઓએ ત્રણથી પાંચ માર્ચ દરમ્યાન આ ગુનો આચરવા માટે ૧૪ મોબાઇલ અને ૯૩ સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેમણે જુદા-જુદા મોબાઇલથી ઘણાં બધાં વોટ્સએપ અકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ લોકોએ આખું ઓપરેશન પાર પાડવા માટે એટલી બધી કાળજી રાખી હતી કે એક મેસેજ મોકલ્યા બાદ તેઓ સિમ કાર્ડ ફેંકી દેતા હતા. એને લીધે અમને પણ આનું પગેરું મેળવવામાં બહુ જ તકલીફ થઈ હતી.'

બન્ને આરોપીઓ ઘણા સમયથી સચિન વઝેને તેના કથિત ગેરકાયદે કામમાં મદદ કરતા હતા. એટીએસનાં સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે 'ગુનામાં વપરાયેલા તમામ ફોન અને સિમ કાર્ડ બુકી સર્કલમાંથી મેળવવામાં આવ્યા હતા. અત્યાર સુધી એવું આવી રહ્યું હતું કે મનસુખ હિરણને તાવડે કરીને એક ઓફિસરે બોલાવ્યો હતો, પણ અમારી તપાસ મુજબ તાવડે નામનો કોઈ અધિકારી ક્રાઇમ બ્રાન્ચમાં નથી. આ ફોન વિનાયક શિંદેએ જ મનસુખને તેમની જાળમાં ફસાવવા કર્યો હતો. જોકે એ રાત્રે શું બન્યું હતું એ હજી સ્પષ્ટ નથી થયું. મનસુખ કયાં ગયો હતો, તે કઈ રીતે કલવાની ખાડી સુધી પહોંચ્યો હતો, તેને મારીને ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો કે પછી તેને ડુબાડીને મારી નાખવામાં આવ્યો હતો આ બધી બાબતોની હજી તપાસ ચાલી રહી છે.

મનસુખની હત્યા શું કામ કરવામાં આવી એ કારણ હજી અસ્પષ્ટ છે. એટીએસનું કહેવું છે કે મનસુખ હિરણની ધરપકડ થયા બાદ તપાસ દરમ્યાન આ વાત સ્પષ્ટ થાય એમ છે. એટીએસનાં સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે 'બન્ને આરોપી વોટ્સએપ મેસેજ મારફત સચિન વઝેના સંપર્કમાં હતા. તેમની વચ્ચે ચોથી માર્ચે આવા જ એક મેસેજની આપ-લે થઈ હતી જેમાં 'કામ હો ગયા' લખવામાં આવ્યું હતું. આરોપીઓ એક સિમ કાર્ડથી એક જ મેસેજ મોકલતા હોવાથી ડેટા બહુ જ ઓછો વપરાયો હતો. ફોન પણ બહુ જ ઓછા સમય માટે ઓન રહેતો હતો. આને લીધે અમને લોકેશન ટ્રેસ કરવામાં પણ તકલીફ થઈ રહી હતી. આમ છતાં આ લોકો સામે અમારી પાસે પૂરતા પુરાવા છે. અમારી ટેકિનકલ ટીમે બહુ જ સારું કામ કર્યું છે. હવે અમારે આ પુરાવાઓ અને બન્ને આરોપીઓને સચિન વઝેની સામે ઊભા કરવાના છે.'

એ રાત્રે મનસુખ કયાં ગયો હતો, તે કઈ રીતે કલવાની ખાડી સુધી પહોંચ્યો હતો, શું તેને મારીને ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો કે પછી તેને ડુબાડીને મારી નાખવામાં આવ્યો હતો એ બધી બાબતોની હજી તપાસ ચાલી રહી છે.

(10:06 am IST)