Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કોરોનાની બીજી લહેરથી સર્વત્ર ચિંતાઃ ૭૫ ટકા કેસ ફકત ૩ રાજયોના

દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા ૨૦૨.૩ દિવસ થઈ છે તો પંજાબમાં ૮૧ ટકા બ્રિટનનો સ્ટ્રેન આવતા ચિંતા વધી છે :૨૦૨.૩ દિવસમાં ડબલ થઈ રહ્યા છે કેસ

નવી દિલ્હી, તા.૨૪: કોરોના વાયરસની બીજી લહેરે દેશને ચિંતામાં મુકયો છે. એક માર્ચથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, દિલ્લી, મધ્યપ્રદેશ, ગુજરાતમાં કેસ વધ્યા છે. પંજાબમાં જીનોમ સિકવેન્સ માટે મોકલેલા ૪૦૧ સેમ્પલમાંથી ૮૧ ટકા બ્રિટેનનો સ્ટ્રેન હોવાનું સામે આવ્યું છે.

કોરોનાના વધતા કેસ પાછળ લોકોની બેદરકારી પણ જવાબદાર છે. હોળીનો તહેવાર નજીક હોવાથી લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા ૨૦૨.૩ દિવસ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા એક દિવસમાં ૪૦ હજાર ૭૧૫ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ, તમિલનાડુમાં દેશના ૮૦.૯૦ ટકા કેસ નોંધાયા છે. જયારે ૬૦.૫૩ ટકા કેસ માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

પંજાબમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં યૂકેનો નવો સ્ટ્રેન મળતા હડકંપ મચ્યો છે. સરકારે ૪૦૧ સેમ્પલમાંથી ૮૧ ટકામાં યૂકેનો સ્ટ્રેન હોવાની પુષ્ટિ કરી છે. આ પછી લોકોને જલ્દી જ વેકસીન મૂકાવવાની અપીલ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કરી છે.

એક દિવસમાં દેશમાં કોરોનાના ૪૭ હજાર ૨૩૯ નવા કેસ આવ્યા છે. દેશમાં  એક દિવસમાં કોરોનાથી ૨૩ હજાર ૯૧૩ દર્દી રિકવર થયા છે તો સાથે જ એક દિવસમાં દેશમાં કોરોનાથી ૨૭૭ લોકોના મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોનાના એકટીવ કેસ ૩ લાખ ૬૫ હજાર ૩૬૯ થયા છે અને  કોરોનાના કુલ કેસ ૧ કરોડ ૧૭ લાખ ૩૩ હજાર ૫૯૪ પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા ૧ કરોડ ૧૨ લાખ ૩ હજાર ૧૬ થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧ લાખ ૬૦ હજાર ૪૭૭ થયો છે. લાંબા સમય બાદ એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો હોવાનું જોવા મળ્યું છે.

એક દિવસમાં વિશ્વમાં કોરોનાના ૪ લાખ ૮૫ હજાર ૭૩૨ નવા કેસ આવ્યા છે. એક દિવસમાં વિશ્વમાં કોરોનાથી ૧૦ હજાર ૨૦૬ના મૃત્યુ થયા છે. કોરોનાના એકટીવ કેસ ૨ કરોડ ૧૨ લાખ ૨૪ હજાર ૪૩૩ પહોંચ્યા છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ ૧૨ કરોડ ૪૭ લાખ ૮૯ હજાર ૫૪૭ થયા છે. કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા ૧૦ કરોડ ૮૧ લાખ ૯૭ હજાર ૩૧ પહોંચી છે. તો વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨૭ લાખ ૪૫ હજાર ૩૮૩નો થયો છે.

(10:05 am IST)