Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ટ્રેનમાં મુસાફરીમાં સ્મોકિંગ કરનારા સામે પગલાં લેવાશે

ટ્રેનોમાં આગ લાગવાની વધતી ઘટનાઓથી ચિંતા : હાલ સ્મોકિંગનો માત્ર ૧૦૦નો દંડ છે તેથી લોકો ગણકારતા નથી, જેલ સહિતની સજાની જોગવાઈથી લોકોમાં ડર પેસશે

નવી દિલ્હી, તા. ૨૩ : રેલવેમાં મુસાફરી કરનારા લોકોને ધુમ્રપાનની આદત ભારે પડી શકે છે. હકીકતે ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા તો રેલવેના પરિસરમાં સ્મોકિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.

આગની ઘટનાઓ પર લગામ કસવા માટે રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત જો કોઈ ટ્રેનમાં સ્મોકિંગ કરતા ઝડપાશે તો તેને જેલમાં મોકલી શકાશે. સાથે જ દંડ પણ ફટકારી શકાશે.

રેલવે એક્ટ પ્રમાણે ટ્રેનમાં ધુમ્રપાન કરવું ગુનો છે, પરંતુ હાલ તે માટે માત્ર ૧૦૦ રૂપિયા દંડની જોગવાઈ છે. દંડની રકમ ખૂબ નજીવી હોવાના કારણે સ્મોકિંગ પર નિયંત્રણ નથી આવી શકતું. હવે સરકાર દંડની રકમ વધારવા ઉપરાંત જેલની સજા સહિતની આકરી કાર્યવાહી કરવા યોજના ઘડી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસ અને લખનૌ શતાબ્દી એક્સપ્રેસમાં આગની ઘટનાઓ સામે આવી હતી. દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ હોનારત બાદના તપાસ રિપોર્ટમાં મુસાફરે બાથરૂમમાં સિગરેટ પીધા બાદ તેને ડસ્ટબિનમાં ફેંકી હોવાથી કોચમાં આગ લાગી હતી તેવું સામે આવ્યું હતું.

(12:00 am IST)