Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જમવાના પૈસા માગતા ઢાબા વાળાને જેલમાં ધકેલી દીધો

યુપીના ઈટાહ જિલ્લાની ચકચારી ઘટના : બે પોલીસ જવાનોએ ૪૦૦ રૂપિયાનું બિલ માગનાર ઢાબા વાળાને લૂંટનું કાવતરાના ખોટો કેસ કરી જેલમાં પૂરી દીધા

લખનઉ, તા. ૨૩ : પોલીસવાળા પણ ક્યારેક વર્દીનો એટલો રોફ જમાવતા હોય છે કે તેના કારણે સાચા માણસને પણ ભોગવવાનું આવતું હોય છે. આવા જ એક કિસ્સામાં યુપીના ઈટાહ જિલ્લામાં એક ઢાબાવાળાને પોલીસે ખોટા કેસમાં ફિટ કરીને તેના ૮ કસ્ટમર્સ સહિત જેલમાં પૂરી દીધો હોવાના આરોપ લાગતા ઉચ્ચસ્તરેથી તપાસના આદેશ અપાયા છે.

આ ઘટનાની વિગતો એવી છે કે, ૪ માર્ચના રોજ પ્રવીણ કુમાર યાદવના ઢાબા પર બે ઓન ડ્યૂટી પોલીસકર્મીઓ સંતોષ કુમાર અને શૈલેન્દ્ર કુમાર જમવા માટે આવ્યા હતા. તેમનું ૪૦૦ રુપિયાનું બિલ બન્યું હતું. પરંતુ ઢાબાવાળાએ રુપિયા માગ્યા ત્યારે પોલીસવાળાએ શેના રુપિયા? એમ કહીને તેને ધમકાવ્યો હતો. જોકે, ઢાબાવાળો ટસનો મસ ના થતાં બંને પોલીસકર્મીઓએ તેને ૮૦ રુપિયા પકડાવ્યા હતા. પરંતુ ઢાબાવાળાએ ઓછામાં ઓછા ૨૦૦ રુપિયા તો આપવા પડશે તેવું કહેતા પોલીસકર્મીઓ ગુસ્સે ભરાયા હતા.

આ રકઝક ચાલી રહી હતી ત્યારે ઢાબામાં આઠ ગ્રાહકો પણ બેઠા હતા. તેમણે પણ ઢાબાવાળાનો પક્ષ લેતા મામલો ગરમાયો હતો. તેવામાં 'અમારી પાસે રુપિયા માગવાની તારી હિંમત કઈ રીતે થઈ...' તેવું કહીને બંને પોલીસકર્મીએ ઢાબાના માલિક પ્રવીણ કુમારને ફટકાર્યો હતો, અને જેલભેગો કરી દેવાની ધમકી આપીને ત્યાંથી નીકળી ગયા હતા.

જોકે, બંને કોન્સ્ટેબલ ત્યાંથી નીકળ્યા તેની મિનિટોમાં જ ત્રણ ગાડી ભરીને ૧૫ જેટલા પોલીસકર્મીઓ ઢાબા પર પહોંચી ગયા હતા, અને ઢાબાના માલિક, તેના ભાઈ અને તેમાં બેઠેલા આઠ ગ્રાહકો પર બંદૂક તાણીને તેમને ગાડીમાં બેસવાનું કહ્યું હતું. આ તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, જ્યાં તેમના પર ગેંગ બનાવી લૂંટનું કાવતરું કરવાનો કેસ બનાવી તમામને જેલભેગા કરી દેવાયા હતા. આ ઘટનાના સાક્ષી પુષ્પેન્દ્રએ પોલીસે ખોટા કેસમાં પોતાના ભાઈઓ અને ગ્રાહકોને જેલમાં પૂરી દીધા છે તેવો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવતા હવે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પુષ્પેન્દ્રનું કહેવું છે કે, તે અપંગ હોવાથી પોલીસે તેને છોડી દીધો હતો. કારણકે જો તેને પણ પકડ્યો હોત તો પોલીસની થિયરી પર સવાલ ઉભા થાત.

ઢાબાના માલિક અને અન્ય નવ લોકો પર કોટવાલી દેહાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસે એવો દાવો કર્યો છે કે, ૧૦ લોકોની આ ગેંગ લૂંટને અંજામ આપવા માટે તૈયારી કરી રહી હતી. જોકે, તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને એક્નાઉન્ટર કરીને તમામ લોકોને પકડી લીધા હતા. પોલીસે આ લોકો પાસેથી છ ગેરકાયદે હથિયાર, ૮૦ લીટર દેશી દારુ અને ૨ કિલો વિસ્ફોટકો મળ્યા હોવાનું પણ ફરિયાદમાં દર્શાવ્યું છે.

(12:00 am IST)