Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઈરાન વૉશિંગ્ટનમાં સૈન્ય મથક ઉપર હુમલો કરવાની ફિરાકમાં

યુએસના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ દાવો : અમેરિકાના ગુપ્તચર વિભાગે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક ગુપ્ત મેસેજને ઉકેલ્યો હોવાનો દાવો કર્યો

વૉશિંગ્ટન, તા. ૨૩ : અમેરિકાના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈરાની સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડ અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં સૈન્ય મથક પર હુમલો કરવાની ફિરાકમાં છે અને આર્મીના વાઈસ ચીફ ઓફ સ્ટાફ સહિતના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ઈરાનના નિશાના પર છે.

અમેરિકાના ગુપ્તચર વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે ઈરાન અમેરિકન લશ્કરી મથકો અને ઉચ્ચ અધિકારીઓને નિશાન બનાવવાની ફિરાકમાં છે. અમેરિકન ગુપ્તચર વિભાગે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક ગુપ્ત મેસેજને ઉકેલવાનો દાવો કર્યો હતો. એ મેસેજના આધારે ગુપ્તચર વિભાગે કહ્યું હતું કે જનરલ જોસેફ એમ માર્ટિન પર જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે.

વૉશિંગ્ટન સ્થિત ફોર્ટ મેક્નેયર પર હુમલો કરવાની વાતચીત ઈરાનના લશ્કરી અધિકારીઓ વચ્ચે થઈ હતી. એ વાતચીતમાં ૨૦૦૦ના વર્ષના એક આત્મઘાતી હુમલા જેવા હુમલાનો સંકેત હતો. ઓક્ટોબર-૨૦૦૦માં યમનના અદન બંદર નજીક નૌસેનાના જહાજ નજીક એક નાનકડી બોટમાં ટૂકડી આવી હતી અને આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ૧૭ નાવિકોના મોત થયા હતા.

રિવોલ્યુનરી ગાર્ડના અધિકારીઓએ એ વાતચીતમાં જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાન્યુઆરી-૨૦૨૦માં રિવોલ્યુનરી ગાર્ડના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની પર અમેરિકન મિસાઈલથી હુમલો થયો હતો, જેમાં તેનું મોત થયું હતું. ઈરાની સૈન્ય એ જનરલના મોતનો બદલો વાળવા અમેરિકન ઉચ્ચ અધિકારીઓ પર હુમલો કરવાની ફિરાકમાં છે - એવું અમેરિકન ગુપ્તચર અધિકારીઓએ કહ્યું હતું.

(12:00 am IST)