Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આઝાદી ચરખાએ નહીં, ફાંસી પર ઝૂલનારાએ પણ અપાવી છે

શહીદ દિને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરની કટાક્ષભરી ટ્વીટ : ભાજપના સાંસદ ગૌતમ ગંભીરનો ઈશારો રાષ્ટ્રપિતા ગાંધીજી તરફ હોઈ તેની ટ્વીટ બાદ લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર ભડાશ કાઢી

નવી દિલ્હી, તા. ૨૩ : ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે શહીદ દિવસ નિમિત્તે એક ખૂબ જ કટાક્ષભરી ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, યાદ રહે આઝાદી ફક્ત ઘૂમતા ચરખાઓએ જ નહીં, ફાંસી પર ઝુલતા દીવાનાઓએ પણ અપાવી છે. હકીકતે ગૌતમનો ઈશારો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરફ હતો. પરંતુ તેમની ટ્વીટ બાદ લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર ભડાશ કાઢી છે. કેટલાક લોકોએ ભાજપના સાંસદને સલાહો આપી હતી, જ્યારે કેટલાક લોકોને તેમનો વિચાર પસંદ પણ આવ્યો હતો. પ્રદીપ યાદવ નામની વ્યક્તિએ લખ્યું હતું કે, અરે ભાઈ સાહેબ તમને લોકોને એવું કેમ લાગે છે કે ફક્ત કોઈને નીચા દેખાડીને જ સામેવાળાને ઉપર કરી શકાય.. આ બધા લોકો ગ્રેટ લિજેન્ડ છે... તમારે બોલવાની જરૂર નથી.. તમે ફક્ત ચાપલૂસી કરો.

સન્ની નામની એક વ્યક્તિએ સંઘી બલિદાન અને સ્વતંત્રતાને કદી નહીં સમજી શકે તેમ લખ્યું હતું. રાજીવ ગુપ્તાએ લખ્યું હતું કે, યાદ રહે કે તેમણે માફી માંગવાને બદલે ફાંસી પર લટકવાનું પસંદ કર્યું હતું. જ્યારે મ.ન. કાસમી નામની એક વ્યક્તિએ લખ્યું હતું કે, એ પણ યાદ રાખો કે જો મુસ્લિમ ન હોત તો દેશ કદી આઝાદ ન હોત.

સુરેશ શર્મા નામની એક વ્યક્તિએ સ્મૃતિ ઈરાનીજીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવીને વાતને આડે ફાંટે લઈ જવા પ્રયત્ન કર્યો હતો. જ્યારે શૈલેન્દ્ર પ્રતાપે ગૌતમને ટાર્ગેટ કરીને લખ્યું હતું કે, સાવરકરવાળો ફોટો શોભા આપે છે તે જ લગાવો ગૌતીજી માલિક નારાજ થઈ જશે. આ ઝુલતા દીવાનાઓની પેઢી આજે પોતાનું અસ્તિત્વ બચાવવા સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર છે અને તમારા માલિક ૩૦૦થી વધારે મૃત્યુઓ માટે જવાબદાર છે. કહો અહંકાર છોડીને વાત કરે અને કાળો કાયદો પાછો લે. કેટલાક લોકોએ ગૌતમની ટ્વીટને લાઈક કરીને તેમને સમર્થન પણ આપ્યું છે.

(12:00 am IST)