Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસી ગંભીર અસર વાળા પર પ્રભાવી

સંયુક્ત રાજ્ય અમેરિકા-દ. અમેરિકામાં થયેલું પરીક્ષણ : અમેરિકા, ચિલી, પેરૂ વગેરે સ્થળે નવું પરીક્ષણ, પરીક્ષણ વેળા ૩૨૦૦૦ લોકોને ૪ સપ્તાહમાં વેક્સિનના ૨ ડોઝ

નવી દિલ્હી, તા. ૨૩ : સંયુક્ત રાજ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં થયેલા પરીક્ષણમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ-૧૯ વેક્સિન લક્ષણયુક્ત કોવિડ-૧૯ને રોકવામાં ૭૯ ટકા સફળ હોવાનું સામે આવ્યું છે. અભ્યાસમાં સામેલ કોઈ વ્યક્તિનો રોગ ગંભીર અવસ્થાએ નહોતો પહોંચ્યો અને કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ પણ નહોતી સર્જાઈ. આ વેક્સિનનું ઉત્પાદન કરી રહેલી બાયોટેક ફર્મે સોમવારે નવા પરીક્ષણના પરિણામોના આધાર પર આ દાવો કર્યો હતો. આ વેક્સિન ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવી રહી છે.

અમેરિકા, ચિલી, પેરૃ વગેરે સ્થળે નવું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન ૩૨,૦૦૦ લોકોને ૪ સપ્તાહમાં વેક્સિનના ૨ ડોઝ આપવામાં આવ્યા હતા. ખાસ કરીને ૬૫ વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા લોકોમાં તે ૮૦ ટકા પ્રભાવી નોંધાઈ હતી. તેને તૈયાર કરનારા ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર એન્ડ્રૂ પોલાર્ડે નવી વસ્તી પર પરીક્ષણ સફળ રહ્યું તેને સારા સમાચાર ગણાવ્યા હતા. સાથે જ તેનાથી વેક્સિનના ઉપયોગને પ્રોત્સાહન મળશે અને તેના દ્વારા વિશ્વમાંથી કોવિડ-૧૯નો ખાત્મો કરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

(12:00 am IST)