Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષા રશ્મિ સામંતના રાજીનામાં અંગે ઓક્સફોર્ડ યુનિવર્સીટી અને બ્રિટિશ પોલીસની તપાસ શરૂ

કથિત રીતે નફરતની ભાવના સાથે થયેલા એક અપરાધની ફરિયાદ

નવી દિલ્હી :ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલી રશ્મિ સામંતના કેસમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ બન્યા બાદ તેમના વિરોધીઓ દ્વારા તેમની જૂની સોશિયલ મીડિયા પોસ્ટને વાયરલ કરવામાં આવી હતી. આ પોસ્ટને રંગભેદ તરીકે દર્શાવવામાં આવ્યા બાદ રશ્મિ સામંતે રાજીનામુ આપ્યું હતું.

આ ઘટના બાદ હવે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમણે રશ્મિ સામંત સાથે થયેલા સાયબર બુલિંગ (સાયબર ધાકધમકી) અંગે તપાસ શરુ કરી દીધી છે. મંગળવારે યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટના સાથે જોડાયેલા તમામ અસમાનતા અને ઉતપીડનના આરોપોની યોગ્ય તપાસ થશે.

તો ઓક્સફર્ડ યુનિવર્સિટીના હિસ્ટરી વિભાગના એક કર્મચારીની ટિપ્પણીને લઇને બ્રિટિશ હિંદુ સમુદાય દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે તેમને કથિત રીતે નફરતની ભાવના સાથે થયેલા એક અપરાધની ફરિયાદ મળી છે.

રશ્મિના પરિવાર સાથેની તસવીર ડો. અભિજીત સરકારે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલી ટિપ્પણી તપાસનો વિષય છે. ટિપ્પણીની અંદર રશ્મિના પરિવારના હિંદુ ધર્મ અને તેમના રાજ્ય કર્ણાટકમાં ઇસ્લામ માટે પૂર્વાગ્રહ હોવાની વાત કરવામાં આવી હતી.

ઓક્સફર્ડના પ્રવક્તાએ કહ્યું કે આ ઓનલાઇન ટિપ્પણીઓની તપાસ થઇ રહી છે. રશ્મિ પોતાનું રાજીનામુ આપ્યા બાદ ભારત પરત આવી છે. રશ્મિએ જણાવ્યું કે સાયબર બુલિંગના કારણે મારા માટે ત્યાં પરત ફરવાનું મુશ્કેલ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દો ગયા અઠવાડિયે ભારતીય સાંસદમાં પણ ઉઠ્યો હતો

(9:12 am IST)