Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વનડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાની ધમાકેદાર શરૂઆત : ઇંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું

ડેબ્યૂટન્ટ પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 વિકેટ ઝડપી : કૃણાલ પંડ્યાએ 58* રન અને 1 વિકેટ લીધી: શિખર ધવને 98 રન ફટકાર્યા :લોકેશ રાહુલ અને કોહલીએ ફિફટી બનાવી : કૃણાલ પંડ્યાએ વનડેમાં ફાસ્ટેટ ફિફટીનો રેકોર્ડ નોંધાવ્યો

નવી દિલ્હી: ટેસ્ટ અને ટી -20 સિરીઝ પર કબજો કરનારી ટીમ ઈન્ડિયાએ વનડેમાં પણ ધમાકેદાર શરૂઆત કરી છે. પુણે ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું હતું. શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે શાનદાર 98 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 317 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 251 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ડેબ્યૂ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ દરેકને પ્રભાવિત કર્યો. તેણે વિરોધી ટીમની ચાર વિકેટ ઝડપી હતી

 

ઇંગ્લેન્ડના કેપ્ટન ઇઓન મોર્ગન પુણે ખાતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારત સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત માટે કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણ ડેબ્યુ કરી રહ્યા છે. ઓપનિંગ ઉતરેલા રોહિત શર્મા અને શિખર ધવને ભારતને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 64 રનની ભાગીદારી થઇ હતી. રોહિતે 42 બોલમાં 4 ફોરની મદદથી 28 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવને કેપ્ટન કોહલી સાથે 105 રનની ભાગીદારી કરી હતી. વિરાટ કોહલી 60 બોલમાં 6 ફોરની મદદથી 56 રન કરી આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલો શ્રેયસ અય્યર નિષ્ફળ રહ્યો હતો અને તેણે માત્ર 9 બોલમાં 1 ફોરની મદદથી 6 રન કર્યા હતા IND vs ENG

 

શિખર ધવન નર્વસ નાઇન્ટીનો શિકાર થયો. તે પોતાની સદીથી માત્ર બે રન દૂર રહ્યો હતો અને આઉટ થયો હતો. તેણે 106 બોલમાં 11 ફોર અને 2 સિક્સની મદદથી 98 રન કર્યા હતા. ત્યારબાદ કૃણાલ પંડ્યા અને કેએલ રાહુલ વચ્ચે ધમાકેદાર ભાગીદારી થઇ હતી. બંને વચ્ચે 61 બોલમાં 112 રનની ભાગીદારી થઇ હતી. કૃણાલ પંડ્યાએ પોતાની ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે માત્ર 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી હતી. વન્ડેમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ કૃણાલ પંડ્યાને નામે નોંધાઇ ગયો છે. અગાઉ ઇંગ્લેન્ડના જોન મોરીસે 1990માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 35 બોલમાં 50 રન કર્યા હતા. કૃણાલે 31 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 58* રન કર્યા. જ્યારે લોકેશ રાહુલે પોતાના વનડે કરિયર ની 9મી ફિફટી ફટકારતાં 62* રન બનાવ્યા. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકશાને 317 રન કર્યા.

બેન સ્ટોક્સ અને માર્ક વુડને છોડી બાકીના તમામ બોલર નિષ્ફળ અને ખર્ચાળ રહ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 8 ઓવરમાં 34 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તે સિવાય માર્ક વુડે 10 ઓવરમાં 75 રન આપી 2 વિકેટ ઝડપી હતી

ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 318 રનનો મુશ્કેલ લક્ષ્ય આપ્યો હતો. જોકે ઇંગ્લેન્ડ તરફથી ઓપનિંગમાં ઉતરેલા જેસન રોય અને જોની બેરસ્ટોએ શાનદાર રમત રમી હતી. એક સમયે લાગ્યું હતુ કે ભારતે આપેલા લક્ષ્યને ઇંગ્લેન્ડ આરામથી ચેઝ કરી લેશે. જોકે જેસન રોયના આઉટ થયા પછી ટીમ ઇંગ્લેન્ડના ખેલાડીઓ તાસના પત્તાની જેમ એક પછી એક પડવા લાગ્યા. જેસન રોયે આક્રમક બેટિંગ કરતાં 35 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 46 રન કર્યા હતા. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલા વિસ્ફોટક બેટ્સમેન બેન સ્ટોક્સ પણ નિષ્ફળ રહ્યો અને 1 રન કરી પવેલિયન પરત ફર્યો. જોની બેરસ્ટોએ પોતાના વનડે કરિયરની 14મી ફિફટી ફટકારતાં 66 બોલમાં 6 ફોર અને 7 સિક્સની મદદથી 94 રન કર્યા હતા. તે માત્ર 6 રનથી સદીથી ચુકી ગયો.

બેયરસ્ટો સિવાય ઇંગ્લેન્ડના એક પણ બેટ્સમેન લાંબા સમય સુધી પીચ પર ટકી ના શક્યા. ઇંગ્લેન્ડના કેપ્ટન ઇઓન મોર્ગન 22, જોસ બટલર 2, સેમ બિલિંગ્સ 18, મોઇન અલી 30, સેમ કુરન 12, ટોમ કુરન 11, આદિલ રશીદ 0, માર્ક વુડ 2* રન કર્યા. ઇંગ્લેન્ડે 42.1 ઓવરમાં 251 રન કરી ઓલઆઉટ થઇ ગઇ. 2015 પછી ઇંગ્લેન્ડ સૌથી વધુ માર્જિનથી આ મેચ હારી છે. ઇંગ્લેન્ડ ભારત સામેની આ મેચ 66 રને હારી છે.

જ્યારે જેસન રોય અને જોની બેયરસ્ટો પીચ પર હતા, ત્યારે ભારતીય બોલરો બેઅસર સાબિત થઇ રહ્યા હતા. ભુવનેશ્વર કુમારને છોડી બાકીના તમામ બોલરો ખર્ચાળ સાબિત થઇ રહ્યા હતા. જોકે જેસન રોયની વિકેટ પડતા ભારતીય બોલરોએ લય પકડી હતી અને ઇંગ્લેન્ડની તમામ 10 વિકેટો ઝડપી હતી. ભારત માટે ડેબ્યૂ કરનાર પ્રસિદ્ધ કૃષ્ણએ ભારત તરફથી સૌછી વધુ 4 વિકેટ ઝડપી. તેણે 8.1 ઓવરમાં 54 રન ખર્ચી 4 વિકેટ ઝડપી. તે સિવાય શાર્દુલ ઠાકુરે 3, ભુવનેશ્વર કુમારે 2 અને કૃણાલ પંડ્યાએ 1 વિકેટ ઝડપી ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. હતી . I

(9:14 am IST)