Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજ્યોને RTPCR ટેસ્ટ વધારવાની કેન્દ્ર દ્વારા સલાહ

કોરોના કેસમાં વધારો થતાં કેન્દ્ર સરકારના પગલાં : નવી ગાઈડલાઈન ૧થી ૩૦ એપ્રિલ સુધી અમલી : ટેસ્ટ, ટ્રેક, ટ્રીટની રણનીતિ પર કામ કરવા જોર આપવામાં આવ્યું

નવી દિલ્હી, તા. ૨૩ : દેશમાં સતત વધી રહેલા કોરોના કહેર વચ્ચે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આજે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે એપ્રિલ મહિના માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આ નવી ગાઇડલાઇન ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી લાગુ રહેશે.

આ ગાઇડલાઇનની અંદર મુખ્ય રીતે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ પર કામ કરવા ઉપર જોર આપવામાં આવ્યું છે. તો સાથે જ રસીકરણ અભિયાન ઉપર પણ ફોકસ વધારવાની વાત કરવામાં આવી છે. જે પણ રાજ્યોની અંદર આરટીપીસીઆર ટેસ્ટના આંકડાઓ ઓછા છે, તેમને આ ટેસ્ટ વધારવાની સલાહ આપવામાં આવી છે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા ૭૦% કરવાનો નિર્દેશ અપાયો છે.

ગાઇડલાઇનની અંદર જણાવવામાં આવ્યું છે કે જેવો કોઇ નવો કોરોના કેસ આવે તો તેને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેમને આઇસોલેશનમાં મોકલવામાં આવે. સાથે જ તે લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવે. આ સિવાય જે તે જિલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોનની માહિતિ જિલ્લા કલેક્ટરની વેબસાઇટ પર મુકવામાં આવે અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયને પણ મોકલવામાં આવે.

સરકારના નિર્દેશ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર રેલવે, વિમાન સેવા, મેટ્રો, શાળા, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોટેલ, મોલ, મલ્ટીપ્લેક્સ, યોગા સેન્ટર અને જિમ વગેરે કાર્યક્રમ શરુ રહેશે. આ તમામનું સંચાલન કોરોના ગાઇડલાઇનના પાલન સાથે કરવાનું રહેશે.

ગાઇડલાઇનની અંદર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાવવા માટે દંડની વાત પણ કરવામાં આવી છે. સાથે એવી પણ સ્પષ્તા કરવામાં આવી છે કે ઇંટર સ્ટેટ અને ઇંટ્રા સ્ટેટ (બીજી રાજ્યમાં જનારા)ને લઇને કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.

જે રાજ્યોમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે તેવા રાજ્યનો લઇને ગાઇડલાઇનની અંદર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે રસીકરણનો વ્યાપ વધારનામાં આવે. કોરોનાની ચેઇન તોડવા માટે આ જરુરી છે.

(12:00 am IST)