Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના વાયરસને રોકવામાં ભારતની મદદ કરશે ચીન

બૈજીંગ તા. ર૪: ચીને કોરોના વાયરસ સામેની પોતાની લડાઇ દરમ્યાન ભારત તરફથી કરવામાં આવેલી મદદ માટે ગઇકાલે તેનો આભાર માન્યો હતો. ચીને કહ્યું કે તે કોવીદ-૧૯ સામે લડવાના પોતાના અનુભવો ભારત સાથે શેર કરશે અને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે જરૂરી મદદ ઉપલબ્ધ કરાવશે.

ભારતે ર૬ ફેબ્રુઆરીએ એક સૈનિક વિમાન મારફત ચીનના બહુ જોરદાર રીતે પ્રભાવિત વુહાનમાં માસ્ક, ગ્લવ્ઝ અને અન્ય આપાતકાલીન ચિકિત્સા ઉપકરણો સહિત લગભગ ૧પ ટન મદદ મોકલી હતી. આ વિમાન ૧૧ર ભારતીયો અને કેટલાય વિદેશી નાગરિકોને પણ બહાર લાવ્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે કહ્યું કે પોતાના દેશમાં કોરોના વાયરસ પ્રકોપ દરમ્યાન મદદ કરનાર ૧૯ દેશોને મદદની ચીને તૈયારી કરી છે. તેની ૧૯ દેશોની યાદીમાં ભારતનું નામ ન હોવાના સવાલ પર ગેંગે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે આદાન-પ્રદાનની એક બેમિસાલ પ્રણાલી છે અને તે નજીકની છે.

તેમણે કહ્યું, ''કોવિદ-૧૯ના પ્રકોપ પછી, ચીન અને ભારત વચ્ચે સંવાદ ચાલુ છે અને બન્ને વચ્ચે સહયોગ છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસની આપત્તિ દરમ્યાન ચીની લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરી હતી અને ભારતના વિદેશ પ્રધાને ચીન સાથે ફોન પર વાત કરી હતી.''

(3:25 pm IST)