Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ખુશખબર! ૧ એપ્રિલથી લાગુ થશે પેન્શનનો નવો નિયમઃ ખાતામાં જમા થશે વધુ રકમ

૬ લાખથી વધુ ઈપીએસ પેન્શનર્સ માટે સારા સમાચાર

નવી દિલ્હી, તા.૨૪: ૬ લાખથી વધુ ઈપીએસ પેન્શનર્સ માટે સારા સમાચાર છે. ૧ એપ્રિલથી EPS પેન્શનર્સને વધુ પેન્શન મળશે. સરકારે નિવૃત્તિના ૧૫ વર્ષ બાદ પૂરું પેન્શન આપવાની જોગવાઈને મંજૂરી આપી દીધી છે. આ નિયમને ૨૦૦૯માં પરત લેવામાં આવ્યો હતો. શ્રમ મંત્રાલયે નવા નિયમોને અધિસૂચિત કરી દીધા છે. આ ઉપરાંત કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) સ્કીમ હેઠળ પીએફ ખાતાધારકો  (PF Account holders)  માટે પેન્શન કમ્યૂટેશન એટલે કે આંશિક ઉપાડની જોગવાઈ પણ અમલમાં આવી ગઈ છે. આ પગલું ખાસ કરીને તે ઈપીએફઓ પેન્શનર્સ માટે ફાયદારૂપ સાબિત થશે જેઓ ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ પહેલા નિવૃત્ત થયા છે અને પેન્શનના આંશિક ઉપાડનો વિકલ્પ પસંદ કર્યો છે. કમ્યૂટેડ પેન્શનનું વિકલ્પ પસંદ કરવાની તારીખથી ૧૫ વર્ષ બાદ તેમને પૂરા પેન્શનનો ફાયદો મળવા લાગશે.

કર્મચારી પેન્શન સ્કીમ (ઈપીએસ)ના નિયમો મુજબ, ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ પહેલા નિવૃત્ત થયેલા ઈપીએફઓ મેમ્બર પોતાના પેન્શનનો મહત્તમ એક-તૃતીયાંશ એટલે કે કમ્યૂટેડ પેન્શન તરીકે મેળવી શકે છે. બાકી બે તૃતીયાંશ પેન્શન તેમને જિંદગીભર માસિક પેન્શન તરીકે મળે છે.

પહેલા ૧૫ વર્ષ બાદ પૂરા પેન્શન આપવાની જોગવાઈ હતી. તેને સરકારે ૨૦૦૯માં પરત લઈ લીધી હતી. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ જાહેર નોટિફિકેશનથી આવા કમર્ચારીઓને ફાયદો થશે કારણ કે ૧૫ વર્ષ બાદ તેમને ફરી જૂનું પેન્શન મળવા લાગશે. આ રીતે જો કોઈ ૧ એપ્રિલ ૨૦૦૫ના રોજ નિવૃત્ત થયું હશે તો ૧ એપ્રિલ ૨૦૨૦ એટલે કે ૧૫ વર્ષ બાદ વધુ પેન્શનના હકદાર થઈ જશે.

પ્રસ્તાવને મંજૂરી કયારે મળી?પૂરા માસિક પેન્શન આપવાના પ્રસ્તાવને ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ ૨૧ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લીલી ઝંડી આપી દીધી હતી. નવા ફેરફારોથી આ સુવિધા વધુ આકર્ષક થઈ જશે.

(11:02 am IST)