Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોનાના લીધે ધોરણ ૧થી નવના વિદ્યાર્થીઓ પાસ થશે

શિક્ષણમંત્રીના આવાસે થયેલી બેઠકમાં નિર્ણય : ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને પણ ઉપરના ધોરણમાં માસ પ્રમોશન આપવા નિર્ણય : અટકળોનો આખરે અંત

અમદાવાદ, તા. ૨૩ : કોરોના વાયરસનો ફેલાવો દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે શિક્ષણના ક્ષેત્રમાં વધુ એક મોટો નિર્ણય આજે કરવામાં આવ્યો હતો જેના ભાગરુપે સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧થી લઇને ૯માં ધોરણ સુધી અને ૧૧માં ધોરણના વિદ્યાર્થીઓને  માસ પ્રમોશનથી પાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ એકથી નવમાં સુધીના વિદ્યાર્થીઓને ડિટેન્શન નીતિ આ વર્ષે લાગૂ પડશે નહીં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપરના ધોરણમાં લઇ જવામાં આવનાર છે પરંતુ આવતા વર્ષથી ડિટેન્શન નીતિને અમલી રાખવામાં આવશે. આ પ્રમાણે ધોરણ ૧ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને પણ ઉપરના ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવનાર છે. શિક્ષણ વિભાગના ચોથી ફેબ્રુઆરીના ઠરાવની જોગવાઈ પ્રમાણે નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનું રહેતું હતું તેના બદલે અગાઉના રાબેતા મુજબ એટલે કે વેકેશન પૂર્ણ થયાથી નવું સત્ર શરૂ કરવાનું રહેશે.

              જે શિક્ષકો સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવી હોય તો તે કામગીરી સ્થાનિક તંત્રની સુચનાઓનું પાલન કરવાનું રહેશે. ખાનગી શાળાઓના શિક્ષકો તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ આવવાથી મુક્તિ આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા નિયામક પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે સંકળાયેલા સરકારી, ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર શાળાઓએ તથા તે શાળાના શિક્ષકોએ જ્યારે નવેસરથી શૈક્ષણિક કેલેન્ડર નિયત કરવામાં આવે તેને સૂચનાનું પાલન કરવાનું રહેશે. નોવેલ કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં લઇને આજે મળેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં શિક્ષણમંત્રીના આવાસે બેઠક યોજાઈ હતી જેમાં તમામ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સોમવારના દિવસે યોજાયેલી બેઠકમાં મતમામ મહત્વના પાસા પર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી અને આખરે માસ પ્રમોશન અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી બાજુ શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે એ વિધાનસભા ખાતે પાટણ જિલ્લામાં શિક્ષણ નિરીક્ષકની જગ્યા અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવ્યું કે પાટણ જિલ્લામાં શિક્ષણ નિરીક્ષકની ત્રણ જગ્યાઓ છે, તે તમામ જગ્યાઓ ભરાયેલી છે આ નિરીક્ષકો દ્વારા પરીક્ષા સંદર્ભે ધોરણ-૧૦ ધોરણ-૧૨ની સંકલનની કામગીરી, શિક્ષણની યોજનાનુ અમલીકરણ સહિત સ્થળ તપાસ તથા મોનિટરિંગ પણ કરવામાં આવે છે.

મોટો નિર્ણય કરાયો.....

*    કોરોનાને ધ્યાનમાં લઇને ધોરણ ૧થી નવના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા નિર્ણય

*    ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપીને ઉપરના ધોરણમાં લઇ જવાશે

*    ડિટેન્શનની નીતિ આ વર્ષે લાગૂ નહીં કરવાનો નિર્ણય

*    શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવી ન હોય તો લોકડાઉનની સ્થિતિમાં શાળાએ આવવાનું રહેશે નહીં

*    સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામ સોંપવામાં આવે તો સ્ટેન્ડ બાય તરીકે રહેવાનું રહેશે

*    જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી સોંપાઈ છે તે કામગીરી તંત્રની સુચનાઓનું પાલન કરીને કરવાનું રહેશે

*    શિક્ષણમંત્રીના આવાસે મળેલી બેઠકમાં નિર્ણય કરાયો

*    વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો

*        કોરોનાના ખતરનાક કેસો બાદ ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં લઇને શિક્ષણ વિભાગ અને અન્ય સંબંધિતોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો

(12:00 am IST)