Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉન

કેજરીવાલે ગઠબંધનના સંદર્ભે કોઈ પણ વાત કરી નથી : શીલા દિક્ષિત

કેજરીવાલના દાવાઓને શીલાએ રદિયો આપ્યો : કોંગ્રેસ પાર્ટીના એક વર્ગ વતી કેજરીવાલની સાથે ગઠબંધન કરવાના દબાણ વચ્ચે શીલા દિક્ષિતે આખરે ખુલાસો કર્યો

નવી દિલ્હી,તા. ૨૪ : લોકસભાની ચુંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાને લઈને બંને પાર્ટીઓમાં ભારે ખેંચતાણ જારી છે. પાર્ટીના એક વર્ગ તરફથી સતત આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી લેવાના દબાણ વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતે આજે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે આને લઈને એક પણ વખત તેમનો સંપર્ક કર્યો નથી. શીલા દિક્ષિતે એમ પણ કહ્યું હતું કે કેજરીવાલે રાહુલ ગાંધી અથવા તો તેમની સાથે કોઈપણ પ્રકારની વાત હજુ કરી નથી. શીલા દિક્ષિતના આ નિવેદનથી ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઈને શક્યતાઓ ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. જાન્યુઆરી મહિનામાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી ચુકેલા શીલા દિક્ષિતે કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટી અધ્યક્ષ અથવા તો તેમનો કોઈ સંપર્ક કર્યો નથી. બેઠકોની વહેંચણીને લઈને પણ કોઈ વાત કરવામાં આવી નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ તરફથી કોંગ્રેસ પર નિર્ણય ન લેવાને લઈને પ્રહારો કરી રહ્યા છે પરંતુ વાસ્તવમાં કેજરીવાલે કોઈપણ પ્રકારની વાત કોંગ્રેસ સાથે ટોપ સ્તર પર કરી નથી. શીલા દિક્ષિતે એક રીતે આમ આદમી પાર્ટીની ગઠબંધન કરવાની ઈચ્છા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે કેજરીવાલે તેમની સાથે વાતચીત કરવાના કોઈપણ પ્રયાસ કર્યા નથી. જો કોઈ પાર્ટીની સાથે ગઠબંધન કરવાની ઈચ્છા હોય છે તો આને લઈને વાતચીત થવી જોઈએ. વાતચીત બંને પક્ષોમાં ટોપ નેતાઓ વચ્ચે થવી જોઈએ. જોકે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. આને લઈને ફરીવાર ચર્ચા સાંભળવા મળી રહી છે. શીલા દિક્ષિતના આ નિવેદનથી એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસના દિલ્હી એકમમાં વિખવાદ જારી છે.

(7:47 pm IST)