Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

એરસ્ટ્રાઈક સામે વેધક પ્રશ્ન કરનારની ફરી તીવ્ર ઝાટકણી

મુંબઈ હુમલા બાદ પણ સેનાએ મંજુરી માંગી હતી : અગાઉ કોંગીની સરકાર હતી ત્યારે પણ સેનાએ પરવાનગી માંગી છતાં મંજુરી અપાઈ ન હતી : કેન્દ્રિય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનના પ્રહારો

હૈદરાબાદ, તા. ૨૪ : કેન્દ્રિય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને એર સ્ટ્રાઈકને લઈને પ્રશ્નો ઉઠાવનાર કોંગ્રેસ પાર્ટી ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મુંબઈ હુમલા બાદ એર સ્ટ્રાઈક કરવાની જરૂર હતી પરંતુ અગાઉની સરકારો આ હિંમત કરી શકી ન હતી. મુંબઈ હુમલા બાદ પણ એર સ્ટ્રાઈક માટે લશ્કરી દળોએ સરકાર પાસેથી મંજુરી માંગી હતી. નિર્મલા સીતારામને કહ્યું હતું કે તેમની પાસે કેટલાક એવા કારણ છે જેનાથી વિશ્વાસ કરી શકાય છે લશ્કરી દળોએ એ વખતે પણ યુપીએ સરાકર સમક્ષ કાર્યવાહી કરવા માટે મંજુરી માગી હતી. પુલવામા હુલા બાદ પાકિસ્તાનમાં ભારતીય હવાઈદળે જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. જેના કારણે વિપક્ષ હચમચી ઉઠ્યું છે. થોડાક દિવસ પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના નેતા સામ પિત્રોડાએ એરસ્ટ્રાઈક ઉપર પ્રશ્નો ઉઠાવીને પુરાવા માગ્યા હતા. સીતારામને હૈદરાબાદમાં પૂર્વ સૈનિકોના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આ પ્રકારના પગલા મુંબઈ હુમલા બાદ લેવામાં આવ્યા હોત તો આ વખતે આવી સ્થિતિ સર્જાઈ ન હતો. તેમણે કહ્યું હતું કે લશ્કરી દળોએ તે વખતે પણ મંજુરી માંગી હતી. તેના માટે અનેક કારણો રહેલા છે. વડાપ્રધાન મોદી પણ એક રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહી ચુક્યા છે કે મુંબઈ હુમલા બાદ પણ ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક કરવાને લઈને તૈયારી દર્શાવી હતી પરંતુ યુપીએ સરકારે તે વખતે મંજૂરી આપી ન હતી. વિપક્ષના નેતા સતત એર સ્ટ્રાઈક પર પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. સામ પિત્રોડા કહી ચુક્યા છે કે બાલાકોટમાં ૩૦૦ આતંકવાદીઓ માર્યા ગયા છે તો તેના સરકારને પુરાવા આપવા જોઈએ. દેશ જાણવા માંગે છે કે લાશો ક્યાં જતી રહી છે. કેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે. કેટલાક વિદેશી અખબારો કહી રહ્યા છે કે ભારતના હુમલામાં કોઈનું મોત થયું નથી. તેમના આ પ્રકારના વાંધાજનક પ્રશ્નોને લઈને દેશભરમાં નારાજગી છે. આતંકવાદીઓના કેમ્પમાં હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓના મોતના અહેવાલ આવી ચુક્યા છે. કેમ્પો નષ્ટ થયાના પુરાવા સેટેલાઈટ ઈમેજથી આવી ચુક્યા છે. હુમલા કરાયા ત્યારે ત્રાસવાદી કેમ્પોમાં ૩૦૦થી વધુ આતંકવાદીઓની હાજરી હોવાના અહેવાલ પણ આવી ચુક્યા છે. આવી સ્થિતિમાં સામ પિત્રોડા સહિતના કોંગ્રેસી નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રશ્નોને લઈને હોબાળો મચેલો છે. પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર મદદ કરવાના પ્રયાસ આવા નેતાઓ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ આડેધડ નિવેદન કરતા કહી ચુક્યા છે કે પુલવામા હુમલાના કનેકશન વોટ બેંકની રાજનીતિ છે. વોટની રાજનીતિ માટે જવાનોને મરાવી દેવાયા છે. મોટી માત્રામાં આરડીએક્સનો જથ્થો કેમ પહોંચી ગયો હતો. જમ્મુ-શ્રીનગરની વચ્ચે જવાનોને સામાન્ય બસોમાં કેમ મોકલવામાં આવ્યા હતા તેવા પ્રશ્નો વિપક્ષી નેતાઓ કરે છે.

(7:40 pm IST)