Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ચારા કેસ : વિસ્તૃત ઘટનાક્રમ

તમામ કેસો તિજોરીમાંથી જંગી ઉચાપતના રહ્યા છે

નવી દિલ્હી,તા.૨૪: સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જનાર  ઘાસચારા કોંભાડના ચોથા કેસમાં પણ આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવને આજે સીબીઆઇની ખાસ અદાલતે સાત-સાત વર્ષની સજા ફટકારી હતી. સાથે સાથે ૬૦ લાખ રૂપિયાનો જંગી દંડ પણ ફટકારતા કોર્ટ રૂમમાં સોપો પડી ગયો હતો.ડુમકા તિજોરીમાંથી ગેરકાયદે જંગી નાણાંની ઉચાપત સાથે સંબંધિત આ મામલો રહેલો છે.

*      ૨૪મી માર્ચ ૨૦૧૮ના દિવસે ઘાસચારા કોંભાડના ચોથા કેસમાં લાલુ યાદવને આજે સીબીઆઈની ખાસ અદાલતે સાત-સાત વર્ષની સજા ફટકારી હતી એટલે કે ૧૪ વર્ષની સજા ફટકારી હતી. ઉપરાંત ૬૦ લાખ રૂપિયાનો દંડ પણ લાગુ કર્યો હતો. ચારા કૌભાંડના ડુમકા તિજોરીમાંથી ૩.૧૩ કરોડ રૂપિયાની ઉંચાપત સાથે સંબંધિત આ મામલો છે.

*      ૧૯મી માર્ચ ૨૦૧૮ના દિવસે રાંચીની ખાસ અદાલતે લાલૂ યાદવને ચારા કૌભાંડના ચોથા ડુમકા તિજોરીમાંથી ઉચાપતના કેસમાં અપરાધી ઠેરવીને તમામને ચોંકાવી દીધા છે. આ મામલામાં હવે ચુકાદો ૨૧, ૨૨ અને ૨૩મી માર્ચે સજાને લઈને દલીલબાજી બાદ આવશે. હજુ સુધી છ પૈક ચારમાં લાલૂને સજા કરવામાં આવી હતી

*      ૨૪મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે ખાસ સીબીઆઈ કોર્ટે ચારા કૌભાંડના ચાઈબાસા તિજોરીમાંથી ૩૩.૬૭ કરોડની ઉચાપત સંબંધિત કેસમાં લાલૂ અને અન્ય ૫૦ને દોષિત ઠેરવ્યા હતા અને લાલૂને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી. પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ પણ લાગૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ૫૬ આરોપીઓ હતા

*      ૧૦મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે ખાસ સીબીઆઈ કોર્ટે આ મામલામાં તપાસ પૂર્ણ કરી લીધા બાદ ચુકાદો આજે ૨૪મી જાન્યુઆરી સુધી અનામત રાખ્યો હતો. ૧૨મી ડિસેમ્બર ૨૦૦૧ના દિવસે ૭૬ આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ટ્રાયલ દરમિયાન ૧૪ આરોપીઓના મોત થયા હતા. ત્રણ સરકારી સાક્ષી બન્યા હતા. ૫૬ સામે ટ્રાયલ ચાલી હતી

*      ૬ઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે લાલૂ અને અન્ય ૧૬ અપરાધીઓને ચારા કૌભાંડમાં દેવઘર તિજોરીમાંથી ઉચાપતના કેસમાં સાડા ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. લાલૂ ઉપર પાંચ લાખનો દંડ લદાયો હતો. ત્રીજીએ ચુકાદો આવનાર હતો પરંતુ એક એક દિવસ કરીને સજા અંગેની જાહેરાત ટળી ગઈ હતી

*      ૩જી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે લાલૂને સજા અંગેની જાહેરાત એક દિવસ માટે ટાળી દેવામાં આવી. કારણ કે, એડવોકેટ વિંદેશ્વરી પ્રસાદનું અવસાન થયું હતું

*      ૨૩મી ડિસેમ્બર : લાલૂ યાદવ અને અન્યોને ચારા કૌભાંડના કેસમાં દોષિત જાહેર કરાયા. સજાની જાહેરાત ત્રીજી જાન્યુઆરીએ કરાશે

*      ૧૩મી ડિસેમ્બર ૨૦૧૭ : શિવપાલસિંહની સીબીઆઈ કોર્ટમાં કેસ નંબર આરસી-૬૪એ/૯૬માં સુનાવણી પૂર્ણ કરાઈ હતી. ચુકાદો શનિવારે આપવાની વાત કરાઈ હતી

*      ૮મી મે ૨૦૧૭ : સુપ્રીમ કોર્ટે બે દશક જુના ચારા કૌભાંડ કેસના સંબંધમાં લાલૂ સામે ફોજદારી કાવતરાના આરોપોનો આદેશ કર્યો હતો

*      નવેમ્બર ૨૦૧૪ : લાલૂ યાદવે સીબીઆઈ કોર્ટના ૨૦૦૬ના ચુકાદાને પડકાર ફેંકીને ઝારખંડ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ ચુકાદામાં ઘાસચારા કૌભાંડ કેસની અંદર છ કેસોમાં તેમના નામનો ઉલ્લેખ કરાયો હતો. હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે, કાર્યવાહી આઈપીસીની કલમ ૨૦૧ અને ૫૧૧ હેઠળ ચાલુ રહેશે. અન્ય આરોપો એવા આધાર પર પડતા મુકવામાં આવ્યા છે કે એક વખતે અપરાધી ઠેરવવામાં આવેલા અથવા તો નિર્દોષ છોડી દેવામાં આવેલા વ્યક્તિ સામે એજ ગુના માટે ખટલો ચલાવી શકાય નહીં

*      ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૩ : સીબીઆઈ કોર્ટે લાલૂ અને અન્ય ૪૪ લોકોને ઘાસચારા કૌભાંડમાં અપરાધી ઠેરવ્યા હતા. આની સાથે જ લાલૂ છ વર્ષ માટે ચૂંટણી લડવાથી ગેરલાયક થઇ ગયા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રીને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા

*      ૧૩મી ઓગસ્ટ ૨૦૧૩ : લાલૂ યાદવની ટ્રાયલ કોર્ટના જજની બદલી માટેની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી

*      પહેલી માર્ચ ૨૦૧૨ : બનાવટી બિલને લઇને બાંકા અને ભાગલપુરની તિજોરીમાંથી ૪૬ લાખ રૂપિયાની ઉચાપત મામલામાં લાલૂ, જગન્નાથ મિશ્રા, જગદીશ શર્મા અને અન્ય ૩૧ની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા

*      બીજી એપ્રિલ ૨૦૧૦ : સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે, સીબીઆઈના ૨૦૦૬ના ચુકાદાને પડકાર ફેંકી રજૂઆત કરવા માટે રાજ્ય સરકાર કોઇ સંબંધિત સત્તા નથી

*      ૩૧મી મે ૨૦૦૭ : લાલૂના ભત્રીજા, પશુસંવર્ધન વિભાગના બે પૂર્વ ક્ષેત્રિય ડિરેક્ટરો, ચાર સપ્લાયર સહિત ૫૮ લોકોને પાંચતી છ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી

*      ૧૮મી ડિસેમ્બર ૨૦૦૬ : સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં સાત વર્ષ પહેલા સીબીઆઈ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા અપ્રમાણ સંપત્તિ કેસમાં આરોપોમાંથી લાલૂ અને તેમના પત્નિ રાબડી દેવીને નિર્દોષ જાહેર કરાયા હતા

*      ફેબ્રુઆરી ૨૦૦૨ : રાંચીમાં ખાસ સીબીઆઈ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઇ હતી

*      ૫મી ઓક્ટોબર ૨૦૦૧ : નવા રાજ્યની રચનાના કારણે આ કેસને ઝારખંડ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ફરજ પડી હતી

*      ૯મી જૂન ૨૦૦૦ : કોર્ટમાં યાદવ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા

*      ૧૦મી મે ૨૦૦૦ : હાઈકોર્ટે લાલૂને જામીન આપ્યા હતા અને ૨૫ વખત જામીનને લંબાવ્યા હતા

*      ૫મી એપ્રિલ ૨૦૦૦ : લાલૂ અને રાબડી દેવીએ સીબીઆઈ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. રાબડીને જામીન મળ્યા હતા અને લાલૂને ફરી જેલભેગા કરવામાં આવ્યા હતા. કારણ કે જજે તેમની જામીન અરજી ફગાવી હતી

*      ચોથી એપ્રિલ ૨૦૦૦ : લાલૂ યાદવ અને રાબડી દેવી સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી

*      ૧૯મી ઓગસ્ટ ૧૯૯૮ : અપ્રમાણ સંપત્તિ કેસ લાલૂ અને તેમના પત્નિ સામે દાખલ કરાયો હતો

*      ૩૦મી જુલાઈ ૧૯૯૭ : બિહારના મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યા બાદ લાલૂએ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી

*      ૨૩મી જૂન ૧૯૯૭ : સીબીઆઈ દ્વારા લાલૂ અને ૫૬ લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી

*      ૯૪૦ કરોડ રૂપિયાનો મામલો સૌથી પહેલા ૧૯૯૬માં સપાટી ઉપર આવ્યો હતો. ત્યારબાદ તપાસનો દોર શરૂ થયો હતો

           *        તત્કાલિન અધિકાર અમિત ખરેએ પશુપાલન વિભાગની ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા

(7:22 pm IST)