Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રાજ્યસભામાં ભાજપ વધારે મજબુત : ૧૧ સીટ વધી ગઈ

કોંગ્રેસ પાર્ટીએ વધુ ચાર સીટો ગુમાવી દીધીઃ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ૨૮ ઉમેદવારોની જીત થઈ છે : કોંગ્રેસની માત્ર ૧૦ સીટો પર જીત થઈ : રિપોર્ટ

નવી દિલ્હી,તા. ૨૪: રાજ્યસભાની ૫૮ સીટો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થયો છે. રાજ્યસભામાં ભાજપની સ્થિતિ વધારે મજબુત થઈ છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને નુકસાન થયું છે. આ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપના ખાતામાં રાજ્યસભામાં ચાર સીટો વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસે ચાર સીટો ગુમાવી દીધી છે. સંસદના ઉપલા ગૃહમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વિપક્ષી દળો કરતા ખુબ મજબુત થઈ ગઈ છે. શુક્રવારના દિવસે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ૨૮ ઉમેદવારોની જીત થઈ ગઈ છે. આવી રીતે ભાજપને ૧૧ સીટોનો સીધો ફાયદો થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર ૧૦ સીટો પર જીત મળી છે. પહેલા કોંગ્રેસ પાર્ટીની ૧૪ સીટો હતી હવે કોંગ્રેસને ૪ સીટોનું નુકસાન થયું છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, ૨૪૫ સભ્યના ગૃહમાં હવે ભાજપની સીટોની સંખ્યા વર્તમાન ૫૮થી વધીને ૬૯ થઈ જશે જ્યારે કોંગ્રેસની સીટો ૫૪થી ઘટીને ૫૦ થઈ જશે. જોકે, ભાજપ અને તેના સાથી પક્ષો હજુ પણ રાજ્યસભામાં બહુમતીના આંકડાથી દુર છે. નવા સાંસદોની શપથ વિધી અગામી સપ્તાહમાં થશે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવી છે પરંતુ તેની તકલીફ વધી રહી છે. કારણ કે પાર્ટીના સાથીપક્ષ તરીકે રહેલા ટીડીપીએ ભાજપ સાથે છેડો ફાડી લીધો છે. ગૃહમાં ટીડીપીના ૬ સભ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા મુખ્ય વિરોધ પક્ષની સંખ્યામાં ઘટાડો થતા ભાજપની છાવણી આશાવાદી દેખાઈ રહી છે. સમાજવાદી પાર્ટીને માત્ર એક સીટ મળી છે. જ્યારે ગૃહમાં તેના છ સભ્યોની અડધી પૂર્ણ થવા જઈ રહી છે. પુરતી સંખ્યા નહીં હોવાના કારણે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા અનેક બિલ લોકસભામાં પસાર થયા હોવા છતાં રાજ્યસભામાં અટકી પડ્યા છે. લોકસભામાં ભાજપ પાસે બહુમતી છે પરંતુ રાજ્યસભામાં તેની પાસે બહુમતી નથી. રાજ્યસભામાં વિરોધપક્ષ એકમત હોવાના લીધે મોદી સરકારને બિલ પસાર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી શાનદાર જીતના કારણે તેમની સંખ્યા વધી છે. જ્યારે કોંગ્રેસના હાથમાંથી કેટલાક રાજ્યોમાં સત્તા નીકળી ગઈ છે જેથી તેમને નુકશાન થયું છે. આવી સ્થિતિમાં તેમનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. રાજ્યસભામાં સ્થિતિ મજબુત થતા ભાજપની છાવણી ખુશખુશાલ દેખાઈ રહી છે. જોકે આગામી દિવસોમાં અનેક પડકારોનો સામનો ભાજપને કરવો પડી શકે છે.

(7:20 pm IST)