Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

હવામાન બગડતા ઓસ્‍ટ્રેલિયાના દરિયાકાંઠે ૧પ૦ વહેલ તણાઇ આવીઃ માછલીઓને બચાવવાની કામગીરી હાથ ધરાતા માત્ર ૧૦ વહેલને બચાવી લેવાઇઃ ૧૪૦ વહેલના મોત

પર્થઃ ઓસ્‍ટ્રેલિયાના દરિયા કિનારે આવી ચડેલ ૧પ૦ વહેલી માછલીઓમાંથી ૧૪૦ માછલીઓના મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે, જ્યારે લોકોએ ૧૦ વહેલ માછલીઓને બચાવી લીધી હતી.

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે એક સાથે તણાઈ આવેલી પાઇલટ વહેલ માછલીઓમાંથી માત્ર છને જ બચાવી શકાઈ છે. લગભગ 150 જેટલી વહેલ માછલીઓ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી 300 કિ.મી. દૂર દક્ષિણે આવેલા હેમેલિન બે પર તણાઈ આવી હતી.

શુક્રવારે આ માછલીઓને બચાવકાર્યના ભાગરૂપે એક સ્થાનિક માછીમારે તેમને ઊંડા પાણીમાં મોકલવાના પ્રયાસો કર્યા હતા. જોકે, હવામાનની સ્થિતિ બગડવા ઉપરાંત ગભરાઈ ગયેલી માછલીઓએ આવેશમાં આવીને તેમને બચાવવાના પ્રયાસોમાં અડચણ ઊભી થઈ હતી. જેને કારણે રાત સુધીમાં 140થી વધુ વહેલ માછલીઓ મૃત્યુ પામી હતી.

પાઇલોટ વહેલ પ્રજાતીની આ માછલીઓને બચાવવાના પ્રયાસમાં 100 સ્વયંસેવકો, વન્યજીવ કર્મચારીઓ અને અન્ય લોકો પણ જોડાયાં હતાં. આ માછલીઓ એક સાથે બીચ પર ભૂલથી આવી ચડી હતી.

એક પ્રવાસીએ જણાવ્યું હતું કે "મેં આવું દૃશ્ય ક્યારેય નથી જોયું, જ્યાં આટલી બધી વહેલ માછલીઓ એક સાથે આ રીતે બીચ પર આવી ગઈ હોય."

પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસના પ્રવક્તા જેરેમી ચિકે એક નિવેદનમાં જણાવ્યું, "કમનસિબે મોટા ભાગની વહેલ માછલી આપમેળે જ રાતોરાત (ગુરૂવારે) સૂકી જમીન પર આવી ગઈ હતી અને તે બચી શકી નથી." જીવતી રહેલી વહેલ માછલીઓને બચાવવામાં બીચની ખડકાળ જમીન અને અન્ય મૃત વહેલ માછલીઓના શરીર, અને તોફાની દરિયો અડચણરૂપ બન્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ચિકે કહ્યું કે જીવતી બચી ગયેલી વહેલ ફરીથી બીચ પર આવી જાય તેનું જોખમ છે. તેમણે કહ્યું, "અગાઉ બનેલી આ પ્રકારની ઘટનાઓમાં આમ થતું જોવા મળ્યું છે."

વહેલ માછલીઓ શા માટે આ રીતે સામૂહિક રીતે દરિયા કિનારે તણાઈ આવે છે, તેનું રહસ્ય હજી સુધી વૈજ્ઞાનિકો નથી ઉકેલી શક્યા. વિશેષજ્ઞો કહે છે કે, એક સાથે કિનારે પહોંચી જવાની ઘટના પાછળ વિવિધ કારણો હોઈ શકે છે. જો માછલીઓ બીમાર હોય, દિશા નક્કી કરવામાં તેમની ભૂલ થઈ હોય, ખાસ કરીને હળવો ઢોળાવ ધરાવતા બીચ તરફ આમ થવાની સંભાવના રહે છે.

બચાવ કાર્યમાં જોડાયેલા એક વિશેષજ્ઞએ સીડની મોર્નિંગ હેરાલ્ડને જણાવ્યું, "આ કુદરતનું એક રહસ્ય છે. એક વખતે કિનારે આવી ગયા બાદ તેમની સ્થિતિ ખૂબ જ ઝડપથી બગડે છે." ઘણી વખત કિનારે આવી ચડેલી માછલીઓ તેઓ ભયમાં હોવાના સંકેતો પ્રસારિત કરે છે, જેને કારણે બીજી વહેલ માછલીઓ પણ તેમની પાસે આવી જાય છે. અને ફસાઈ જાય છે.

વર્ષ 1996માં લગભગ 320 વહેલ માછલીઓ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના કિનારે આવી ગઈ હતી જે સૌથી મોટો આંકડો છે.

(6:55 pm IST)