Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

યુનિવર્સિટી એવી સુરક્ષિત જગ્‍યા હોવી જોઇએ કે ત્યાં વાદ-વિવાદ અને ચર્ચાઓ સતત ચાલતી જ રહેવી જોઇએઃ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શુક્રવારે કહ્યું કે યુનિવર્સિટી એવી સુરક્ષિત જગ્યા હોવી જોઈએ જ્યાં વાદ-વિવાદ અને ચર્ચાઓ ચાલતી રહેવી જરૂરી છે. કોઈને પણ રાષ્ટ્ર વિરોધી ગણાવીને ચૂપ કરાવવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે યુનિવર્સિટીમાં દરેક જાતના વિચારને પ્રોત્સાહિત કરવા જોઈએ.

રાજને કહ્યું કે, આપણે યુનિવર્સિટીનું એવી સ્થાન તરીકે સન્માન કરવું જોઈએ જ્યાં વિચારો પર ચર્ચા થાય. અહીંયા તમે અન્ય પક્ષને એ કહીને ચૂપ ન કરાવી શકો કે તમે રાષ્ટ્ર વિરોધી છો અને તમને આવું બોલવાનો અધિકાર નથી.

કેરળ સરકાર દ્વારા કોચ્ચિમાં આયોજીત ગ્લોબલ ડિજીટલ સમિતને સંબોધિત કરતાં રાજને દેશમાં વધી રહી બેરોજગારીની સમસ્યા પર પણ વાત કરી હતી. અહિંયા તેમણે કહ્યું, આપણી પાસે અત્યારે સૌથી મોટો મુદ્દો એ છે કે આપણે ભારતમાં નોકરીઓ કઈ રીતે વધારી શકીએ છીએ. આપણે લોકોને કૃષિથી ઉદ્યોગ અને સેવાઓમાં સ્થળાતરિત કરવાની ક્ષમતાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યાં આવક પણ સારી મળે છે. આપણે આવું કરવાની રીતો શોધવી જોઈએ.

આરબીઆઈના પૂર્વ ગવર્નરે આની સાથે ખુલાસો કર્યો કે, તે ટ્વિટર પર આખરે કેમ નથી. રઘુરામ રાજને કારણ આપતાં કહ્યું કે, તે 30 સેકન્ડમાં કેટલાક શબ્દોમાં ટ્વિટનો જવાબ નથી આપી શકતાં. તેમણે એકદમ હળવા અંદાજમાં કહ્યું કે, મારી પાસે સમય નથી. આપણે જ્યારે સોશિયલ મીડિયા જેવી વસ્તુઓ વાપરીએ છીએ ત્યારે આપણે તેમાં સાતત્યતા રાખવી પડે. હું એવું નથી કરી શકતો. કારણ કે મારે માટે 140 શબ્દોમાં અને 20 -30 સેકન્ડોમાં ફટાફટ વિચારીને અને તરત જ જવાબ ન આપવાની ક્ષમતા મારામાં નથી.

(6:06 pm IST)