Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

એર ઇન્ડિયાનું વિમાન પહેલી વાર સઉદીના આકાશમાંથી થઇને ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પહોંચ્યું

નવી દિલ્હીઃ સાઉદી અરબે ઇઝરાયેલ જતા વિમાનને પહેલી વખત આકાશમાંથી પસાર થવા માટે મંજૂરી આપતા એર ઇન્ડિયાનું વિમાન પહેલી વાર ઇઝરાયેલના  બેન ગુરિયન એરપોર્ટ ઉપર પહોંચ્યુ હતું.

હાલમાં સાઉદી અરબે સંકેત આપ્યા હતા કે તે ભારતથી ઇઝરાયેલ જતી અને ઈઝરાયેલથી ભારત આવતી ફ્લાઇટ્સ માટે પોતાનું આકાશ યુઝ કરવા દેશે. હકીકતમાં તો ઈરાન સાથેના સાઉદી અરબના તણાવયુક્ત સંબંધોને ઈઝરાયેલ તરફ તેના નરમ વલણનું કારણ ગણવામાં આવે છે. ઇઝરાયેલના પર્યટન પ્રધાન યારિવ લેવિને કહ્યું કે, ‘ખરેખર એક ઐતિહાસિક દિવસ છે. બે વર્ષની મહેનત બાદ કામ થઈ શક્યું છે.’

સાઉદી અરબ દ્વારા પોતાનું આકાશ ખોલી નાખવામાં આવતા ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો પ્રવાસ સમય ટુંકો થઈ જશે. આ કારણે કુલ પ્રવાસમાં 2 કલાક જેટલો સમય બચશે અને આ સાથે જ વિમાન કંપનીઓનું ફ્યુઅલ બચતા ટિકિટની કિંમત પણ ઘટી શકે છે. જોકે સાઉદી અરબ દ્વારા આપવામાં આવેલ આ છૂટ ફક્ત ભારતીય એરલાઇન્સ માટે જ છે. ઈઝરાયેલી એરલાઇન્સને આ છૂટ નથી આપવામાં આવી. કેમકે ઇસ્લામિક દેશ હોવાથી સાઉદી અરબ ઈઝરાયેલને દેશ તરીકે સ્વીકરાતું નથી.

(5:15 pm IST)