Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

હરિયાણાના કરનાલમાં ઘોઘડીપુર ગામની ફટાકડાની ફેક્‍ટરીમાં વિસ્‍ફોટ થતા તામિલનાડુના 3 કર્મચારીઓના મોતઃ 1 ગંભીરઃ મશીનરી-માલસામાન ભસ્‍મીભૂત

કરનાલઃ હરિયાણામાં કરનાલના ઘોઘડીપુર ગામની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ થતાં 3 વર્કરના મોત થઇ ગયા. જ્યારે અન્ય એકની સ્થિતિ ગંભીર છે. ભોગ બનેલા ત્રણેય કર્મચારી તમિલનાડુના રહેવાસી હતા.

હરિયાણામાં સોવારે મોટી દુર્ઘટના થઇ ગઇ. કરનાલ જિલ્લાના ઘોઘડીપુર ગામમાં ગઇ કાલે રાત્રે ફાટક પાસેની ફટાકડા ફેક્ટરી જોરદાર વિસ્ફોટથી હચમચી ગઇ હતી. ત્યાર બાદ આખી ફેકટરીમાં આગ ભભૂકી ઊઠી હતી. જેણે વિકરાળ સ્વરુપ લઇ લીધુ હતું. ભીષણ આગમાં ચાર મજૂર ગંભીરપણે દાઝી ગયા હતા. તેમાંથી ત્રણનું મોત થઇ ગયું. જ્યારે ચોથાની સારવાર ચાલી રહી છે.

ફેકટરીનું માલસામન-મશીનો બળીને ખાક

વિસ્ફોટ અને આગમાં ફેક્ટરીનું સંપૂર્ણ સામાન, મશીનો બળીને ખાક થઇ ગયું. વિસ્ફોટ એટલું પ્રચંડ હતું કે ફેકટરીની દિવાલો અને છતને પણ નુકસાન થયું છે. રિપોર્ટ મુજબ આગ ભડકતા પહેલાં ફેક્ટરીમાં બે બ્લાસ્ટ થયા હતા. ત્યાર બાદ આખી ફેકટરી આગની ચપેટમાં આવી ગઇ હતી. આગની માહિતી મળ્યા બાદ ફાયર ફાઇટરોની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમણે સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.

વધુ એક ગંભીર ઘાયલ મજૂર હોસ્પિટલમાં

ઘટનામાં ઘવાયેલ એક મજૂર હજુ પણ જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. મામલાની ગંભીરતા જોતા ડીએસપી અને એસએચઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.જ્યારે મૃતકો અને ઘાયલ કર્મીના પરિવારજનોની ફરિયાદના આધારે કેસ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

2017માં મધ્યપ્રદેશમાં ફટાકડા ફેકટરીમાં 27નાં મોત થયા હતા

પ્રાથમિક અહેવાલોમાં વિસ્ફોટ અને આગનું કારણ જાણી શકયું નથી. નોંધનીય છે કે મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક 2017માં ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટમાં 27 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ફેક્ટરી ગેરકાયદે હોવાનું જણાયું હતું. જેમાં 4 વિસ્ફોટ બાદ ભયાનક આગ ભભૂકી ઊઠી હતી.

(4:51 pm IST)