Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' તરીકે ઓળખાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિતભાઇ શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, નીતિનભાઇ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન

રાજકોટઃ. આજે અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડીયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ તકે મોટેરા સ્ટેડીયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીમય રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ તકે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : કેતન ખત્રી, અમદાવાદ)

રાજકોટ, તા. ર૪ : આજે અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડીયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ તકે મોટેરા સ્ટેડીયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીમય રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ તકે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના  વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે નાઇટ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું.

ગત વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અહી આવ્યા હતા. આ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. અત્યાધુનિક સુવિધાથી સજ્જ મોટેરા સ્ટેડિયમ વિશ્વના ક્રિકેટ મેદાનથી અલગ છે.

જૂના સ્ટેડિયમમાં પહેલા ૫૩,૦૦૦ દર્શકોના બેસવાની ક્ષમતા હતી. હવે આ નવા સ્ટેડિયમમાં ૧.૩૦ લાખથી વધુની દર્શક ક્ષમતા છે.

ભારતના પનોતા પુત્ર અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના નામ ઉપર મોટેરા સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યુ હતું. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા ૫૩ હજાર હતી. જોકે, હવે આ સ્ટેડિયમનું રીનોવેશન કરી તેની બેઠક ક્ષમતા વધારવામાં આવી છે. નરેન્દ્ર મોદી જ્યારે જીસીએના ચેરમેન હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બને. નરેન્દ્રભાઇ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થયુ હતું અને તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે તનતોડ મહેનત કરી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન કરતા પણ મોટા સ્ટેડિયમને આકાર આપ્યો હતો. ૬ મહિના પછી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થયુ 

રાજયના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, મોટેરા સ્ટેડિયમ તૈયાર થતાં દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યુ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં બન્યુ છે.

સ્ટેડિયમના નિર્માણ માટેનો વિચાર સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યો હતો. અને આજે આ સ્ટેડિયમ તૈયાર થયુ છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, જેવી રીતે મોટેરા સ્ટેડિયમ દેશમાં ઓળખાશે તેવી રીતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં પણ જાણીતું બનશે.

આજથી મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પિંક બોલથી ડેપ્રનાઈટ મેચ શરૂ થવા જઈ રહી છે. બપોરે અઢી વાગ્યે મેચની શરૂઆત થઇ છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ એક લાખ ૩૨ હજાર લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. પરંતુ કોરોના કાળ વચ્ચે ક્રિકેટ મેચને લઈને બેઠક વ્યવસ્થાની ૫૦ ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોને પ્રવેશ અપાશે.જે ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન અને મેચને લઈને સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મોટેરામાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યુ. અહી નવા સરદાર પટેલ સ્પોર્ટ્સનું ભવ્ય નિર્માણ થવાનું છે.

(2:56 pm IST)