Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

આત્મહત્યા તરફ દોરી જતી એકલતાની સમસ્યા ઉકેલવા જાપાને અલગ મંત્રાલયની રચના કરી

આવો નિર્ણય લેનાર જાપાન પહેલુ નથી, કેનેડા અને બ્રિટને આ દિશામાં નકકર કદમ ઉઠાવ્યા છે

નવી દિલ્હી : એકલતાથી કંટાળીને કરવામાં આવતી આત્મ હત્યાઓના વધતા કિસ્સાઓથી જાપાન સરકાર ચોંકી ઉઠી હતી. ખાસ કરીને વયોવૃધ્ધોમાં જોવા મળતા આ પ્રમાણને અટકાવવા તુરંત જ એક અલગ મંત્રાલયની રચના કરી લીધી છે.

પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ કેબીનેટમાં 'મીનીસ્ટર ઓફ લોન્લીનેસ'ની જવાદારી તેતસુશી સાકામોટોને સુપ્રત કરી છે. આ સાથે એવી આશા રાખવામાં આવી છે કે અલગ અલગ મંત્રીઓ અને એજન્સીઓ સાથે મળીને એવુ નકકર કામ કરી બતાવે કે એકલતાથી કંટાળીને આત્મહત્યા અને સામાજીક અલગતાની સમસ્યાનો હલ આવે.

એક સર્વે મુજબ છેલ્લા ૧૧ વર્ષમાં વડીલોની આત્મ હત્યાનું પ્રમાણ ખુબ તેજીથી વધ્યુ છે. ર૦૨૦ ના વર્ષમાં જ ૨૦,૯૧૯ લોકોએ જીવન ટુંકાવી લીધુ હતુ. એકલાપણાથી આત્મહત્યા કરનારાઓમાં મોટી ઉંમરના વધુ છે. જે આત્મહત્યાના કિસ્સા નોંધાયા તેમા મોટાભાગના ૬૫ ની વય વટાવી ગયેલા છે. હાલ કોરોના મહામારીએ આ દુષણને ગતિ આપી છે. લોકડાઉનમાં એકલતા કોરી ખાતા આત્મ હત્યાના બનાવો વધ્યાનું પણ નોંધાયુ છે.

જો કે આ સમસ્યા માટે મંત્રાલય રચના જાપાન પહેલુ નથી. કેનેડાએ પણ કોવિડ-૧૯ ના કારણે ડીપ્રેશનમાં આવનારાઓની વધતી સંખ્યા ધ્યાને લઇ મંત્રાલયની રચના કરી હતી. તો બ્રીટને ૨૦૧૮ માં જ આ સમસ્યાના ઉકેલ માટે અલગ મંત્રાલય રચી નાખ્યુ હતુ.

(2:31 pm IST)