Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ડોનાલ્ડ ટ્રમ્પ-મેલેનિયા ટ્રમ્પએ તાજમહેલના કરેલ દિદાર

મેલેનિયા ટ્રમ્પ-ડોનાલ્ડ ટ્રમ્પ તાજની ખુબસુરતી જોઇને પ્રભાવિત : ગાઇડની મદદથી તાજમહેલના સંદર્ભે માહિતી મેળવી : વિઝિટર બુકમાં સંદેશો લખ્યો : પુત્રી ઇવાન્કા પણ પતિ જરેડ કુશનર સાથે પહોંચી

આગરા, તા.૨૪ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રાના પ્રથમ દિવસે આજે અમદાવાદમાં બે કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ હેરિટેજ સ્થળ એવા આગરામાં પહોંચ્યા હતા. વિશ્વના સૌથી ખુબસુરત સ્મારકો પૈકી એક એવા તાજમહેલને જોવા માટે ટ્રમ્પ તેમના પત્નિ મેલેનિયા સાથે પહોંચ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગાઇડની મદદથી ટ્રમ્પ અને મેલેનિયાએ તાજમહેલ અંગે માહિતી મેળવી હતી અને સમગ્ર વિસ્તારમાં ફરીને તાજમહેલની ખુબસુરતીને નિહાળી હતી.

       સાથે સાથે ફોટાઓ પણ પડાવ્યા હતા. સ્કુલી બાળકો અને કલાકારોએ તાજના રસ્તામાં ટ્રમ્પ અને મેલેનિયાનું સ્વાગત કર્યું હતું. આગરામાં ટ્રમ્પનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી ૧૨ કિલોમીટરના અંતરે સ્થિત તાજમહેલ જોવા તેમના કાફલા સાથે પસાર થયા હતા. ટ્રમ્પની પુત્રી ઇવાન્કા અને તેમના જમાઈ જરેડ કુશનર પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઇવાન્કાએ પણ શ્રેણીબદ્ધ ફોટાઓ પડાવ્યા હતા. અગાઉ ટ્રમ્પ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા આજે સવારે શરૂ થઇ હતી.

      પરિવારની સાથે પહોંચી ગયા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી  પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા.  તેમના નિર્ધારિત કાર્યક્રમ પહેલા  ત્રણ મિનિટ પહેલા પહોંચી ગયા હતા. એરફોર્સ વનના વિમાન મારફતે તેઓ અમદાવાદ વિમાનીમથક ખાતે પહોંચી ગયા હતા. વોશિગ્ટન ડીસીથી સીધી રીતે તેઓ અહીં પહોંચ્યા છે. ૧૫-૧૬ હજાર કિલોમીટરની યાત્રા કરીને ટ્રમ્પ અહીં પહોંચી ગયા છે.અમદાવાદમાં પહોંચી ગયા બાદ તેમના તમામ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ, આશ્રમની મુલાકાત બાદ આગરા પહોંચ્યા હતા.

(9:18 pm IST)