Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

મંત્રી સહિત ભાજપ સાંસદ, ધારાસભ્યો બસમાં પહોંચ્યા

મોટા કાર્યક્રમને લઇ મંત્રીઓ-નેતાઓ બસમાં બેઠા : તંત્ર દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ના રહે તે હેતુથી નેતાઓ માટે કારની જગ્યા ઉપર ખાનગી બસની સુવિધા

અમદાવાદ,તા.૨૪ : અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી લોકો ખૂબ મોટી સંખ્યામાં ખાસ અમદાવાદના મોટેરા સ્ટેડિયમની મુલાકાતે આવ્યા હતા. અંદાજે સવા લાખથી વધુનો માનવ મહેરામણ મોટેરા સ્ટેડિયમમાં ઉમટતા એક ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક ઘટના બની રહી હતી. મોટેરા સ્ટેડિયમમાં આવેલા આમંત્રિત મહેમાનોની વચ્ચે સરકારના મંત્રીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો અને આગેવાન-નેતાઓ ખાનગી તેમ વોલ્વો બસો મારફતે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. તંત્ર દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ના રહે તે હેતુથી નેતાઓ માટે તેમની કારોની જગ્યાએ ખાનગી બસોની વ્યવસ્થા કરાઈ હતી.

        અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જેવા કોઇ વિદેશી મહાનુભાવ આવ્યા ત્યારે કાર્યક્રમમાં જોડાવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સમાવિષ્ઠ મંત્રીઓ તથા ભાજપના ગુજરાત સાંસદો અને ધારાસભ્યને વિશેષ બસોમાં મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હોય તેવી પ્રથમ ઘટના હતી. ગાંધીનગરથી સદસ્ય નિવાસેથી ભાજપના તમામ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં હાજર આપવા માટે બસમાં જવા રવાના થયા હતા. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, સહિતના મંત્રીઓ રવાના થયા હતા. ઉપરાંત દંડક પંકજ દેસાઈ પણ જોડાયા હતા.

          ઉપરાંત ધારાસભ્યો અને સાંસદોના માટે પણ ખાનગી અને વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે ઘટના પણ આજના કાર્યક્રમ દરમ્યાન નોંધનીય બની રહી હતી. તંત્ર દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ના રહે તે હેતુથી નેતાઓ માટે તેમની કારોની જગ્યાએ ખાનગી બસોની વ્યવસ્થા કરાઈ હતી. પહેલી વખત એવુ બન્યું હતું કે, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ સહિતના નેતાઓ પોતાની વીઆઇપી કારના બદલે ખાનગી બસમાં બેસીને કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

(8:13 pm IST)