Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

બિહારમાં એનસીઆર લાગુ નહીં કરવામાં આવેઃ નીતિશકુમારે આપી દીધું મોટું નિવેદન

પટણા : બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે બિહારના દરભંગા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે એનઆરસી અને એનપીઆર વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બિહારમાં એનસીઆર લાગુ નહીં કરવામાં આવે. એનપીઆર પર નિવેદન આપતી વખતે નીતિશ કુમારે કહ્યું છે કે  નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પણ 2010ની જેમ જ કરવામાં આવશે. નીતિશ કુમારે દરભંગાની મૌલાના આઝાદ યુનિવર્સિટીમાં આ વાત કરી છે.

સીએમ નીતિશ કુમારે આ પહેલાં પણ નિવેદન આપ્યું છે કે બિહારમાં એનઆરસીની જરૂર નથી જેના કારણે બિહારમાં એ લાગુ નહીં કરવામાં આવે. જોકે એનપીઆર વિશે નીતિશ કુમારે પહેલીવાર એવું નિવેદન આપ્યું છે જે બીજેપી કરતા અલગ છે. આમ, વડાપ્રધાન મોદી અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવામાં વ્યસ્ત છે ત્યારે એક નવો વિરોધી મોરચો ખુલી રહ્યો છે.

નીતિશ કુમારે પોતાના સંબોધનમાં મૌલાના અબુલ કલામ આઝાદની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી છે. તેમણે કહ્યું છે કે જે રીતે બાપુને લોકો યાદ રાખતા હતા એ રીતે જ મૌલાના આઝાદને પણ યાદ રાખવા પડશે કારણ કે તેઓ પણ દેશના વિભાજનની વિરૂદ્ધ હતા. નીતિશ કુમારના આ નિવેદનથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તેઓ ચૂંટણી માટે લઘુમતીઓને સાધવા ઇચ્છે છે અને આ કારણે જ તેમના માટે અનેક યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી છે.

(4:46 pm IST)