Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ગેંગસ્ટર રવિ પુજારીને અંતે ભારતમાં લવાતા પુછપરછ

એર ફ્રાંસની ફ્લાઇટથી બેંગ્લોર લવાયો : બોલીવુડના કલાકારો અને બિલ્ડરોને ધાક-ધમકી, હત્યા સહિતના કેસમાં તપાસ : રવિ પુજારી સામે ૨૦૦થી વધુ કેસો

નવી દિલ્હી, તા.૨૪ : ગેંગસ્ટર રવિ પુજારીને આખરે પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવી ચુક્યો છે. રવિ પુજારીને ફ્રાંસ મારફતે દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવ્યો છે. એર ફ્રાંસની ફ્લાઇટ મોડી રાત્રે રવિ પુજારાને લઇને બેંગ્લોર એરપોર્ટ પર પહોંચી હતી. ગયા વર્ષે સેનેગલમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, જામીન મળી ગયા બાદ તે લાપત્તા થઇ ગયો હતો. મોડેથી તેને ફરી પકડી પાડવામાં આવ્યો હતો. રવિ પુજારીની ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યા બાદ હવે ઉંડી તપાસનો દોર શરૂ થશે. રવિ પુજારી કુખ્યાત ગેંગસ્ટર તરીકે રહ્યો છે. બોલીવુડમાં તેની ભારે દહેશત રહેલી છે તેને પકડી પાડવામાં આવ્યા બાદ પુછપરછનો દોર શરૂ થઇ ચુક્યો છે. લાપત્તા થયા બાદ પુજારી સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી થઇ હતી. બોલીવુડના કલાકારો અને અનેક કારોબારીઓની પાસેથી ધાક ધમકી આપીને ખંડણી વસુલ કરવાના તેની સામે કેસો રહેલા છે.

      ૨૦૦થી પણ વધુ કેસો તેની સામે રહેલા છે. બાવન વર્ષીય રવિ પુજારી કર્ણાટકના મેંગ્લોરમાં માલપામાં જન્મ્યો હતો. અંગ્રેજી, હિન્દી અને કન્નડ ભાષા તે જાણે છે. સતત ફેઇલ થવાના કારણે તેને સ્કુલમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ૨૮ વર્ષના પુત્રની હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં લગ્ન થયા છે. ૨૦૦૫માં પત્નિની બોગસ પાસપોર્ટના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પત્નિ પર એવો આક્ષેપ કરાયો હતો કે, તે પોતે અને પુત્રીઓ માટે બનાવટી પાસપોર્ટ બનાવી રહી હતી. મેંગ્લોરમાં જામીન મળી ગયા બાદ તે ફરી એકવાર બનાવટી પાસપોર્ટ બનાવીને પુત્રીઓ સાથે ફરાર થઇ ગઇ હતી.

       રવિ પુજારી પાસે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ છે અને તે ચીન, હોંગકોંગ અને આફ્રિકા વચ્ચે ફરતો રહ્યો છે. ૧૯૯૦માં રવિ પુજારી મુંબઈના અંધેરીમાં રહેતો હતો. અન્ય ખતરનાક અપરાધીઓની સાથે ગેંગસ્ટર છોટા રાજન સાથે તેની મિત્રતા વધી હતી. તે વિજય શેટ્ટી અને સંતોષ શેટ્ટીની સાથે રાજન ગેંગમાં સામેલ થઇ હતો. બિલ્ડર પ્રકાશ કુકરેજાની ૧૯૯૫માં હત્યા કર્યા બાદ તે ચર્ચામાં આવી ગયો હતો. ૨૦૦૦માં બેંગકોકમાં છોટા રાજન પર દાઉદ ઇબ્રાહિમ ટુકડીએ હુમલો કર્યો ત્યારબાદ તે અલગ ટોળકી બનાવીને સક્રિય થઇ ગયો હતો.

       બાકીના અપરાધીઓની જેમ જ તે દુબઈથી ખંડણીનું કામ કરતો હતો. ૨૦૦૩માં નવી મુંબઈમાં બિલ્ડર સુરેશ વાધવાની હત્યાના પ્રયાસ કરાયા હતા. થોડાક સમય પહેલા જ રવિ પુજારીને દેશભક્ત ડોન તરીકે ગણાવ્યો હતો. દાઉદ, છોટા શકીલ અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે સંપર્ક ધરાવનારની હત્યા કરવા માટે તે ઇચ્છુક હતો.

(9:19 pm IST)