Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રાસવાદ બંધ કરવા પાકિસ્તાનને આપી આકરી ચેતવણીઃ જો ત્રાસવાદને પંપાળવાનું બંધ નહિ કરે તો પરિણામ ભોગવવાની તૈયારી રાખવા ધમકી

મોટેરાથી ટ્રમ્પની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

ટ્રમ્પના નિવેદનથી મોટેરા સ્ટેડીયમ તાલીઓના ગડગડાટથી ગાજી ઉઠયું: રાષ્ટ્રપતિએ પોતાના પ્રવચનમાં હોળીથી લઈને દિવાળી સુધી અને સ્વામી વિવેકાનંદથી લઈને સરદાર પટેલ સુધીનો ઉલ્લેખ કરી લોકોના દિલ જીતી લીધાઃ સચીન, કોહલી, શાહરૂખ ખાનને પણ યાદ કર્યાઃ ત્રાસવાદ મામલે નહિ ઝુકવા નિર્ધારઃ મોદીના નેતૃત્વમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યુ છેઃ અમેરિકા ભારતની ઈજ્જત કરે છેઃ ભવ્ય સ્વાગત જીંદગીભર યાદ રહેશેઃ મોદીના એકધારા વખાણ કર્યાઃ એક દાયકામાં ભારતે હજારો લોકોને ગરીબીથી દૂર કર્યાઃ ભારત અને અમેરિકાના સંબંધો વધુ સુદ્રઢ બન્યા

અમદાવાદ, તા. ૨૪ :. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ વિરૂદ્ધ અમેરિકા ભારત સાથે હોવાનું જણાવી પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનને પોતાની જમીન પરથી ત્રાસવાદને પંપાળવાનું બંધ કરવા જણાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે જો તે આવુ નહિ કરે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાનનો ઉલ્લેખ થતા જ એક લાખથી

વધુ લોકોની તાળીઓથી સ્ટેડીયમ ગુંજી ઉઠયુ હતું.

ભારત અને અમેરિકા બન્ને પોતાના નાગરીકોને ઈસ્લામીક આતંકવાદથી બચાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈસ્લામીક સ્ટેટના ખાત્માનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે મારા કાર્યકાળમાં અમેરિકાએ સૈન્ય શકિતને તેની વિરૂદ્ધ ખુલ્લી છુટ આપી હતી. આઈએસનો ખલીફા માર્યો ગયો છે. રાક્ષસ બગદાદી મરી ગયો છે.

ટ્રમ્પે પાકિસ્તાનને લઈને કહ્યુ હતુ કે અમારા નાગરીકોની સુરક્ષા પર ખતરો ઉભા કરનારે ભારે કિંમત ચૂકવવી પડશે. દરેક દેશને સીમા સુરક્ષાનો અધિકાર છે. અમેરિકા અને ભારત આતંકવાદ અને આતંકી વિચારધારા સામે લડી રહ્યા છે. પાકિસ્તાને પોતાની સીમામા ત્રાસવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી જ પડશે. અમારે પાકિસ્તાન સાથે સારા સંબંધ છે. અમને લાગે છે કે પાકિસ્તાન કેટલાક પગલા લઈ રહ્યુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કહ્યુ હતુ કે અમે સૌથી સારા એરોપ્લેન, રોકેટ, શીપ, ભયાનક હથીયારો બનાવીએ છીએ. અમે આ હથીયાર ભારતીય સેનાને આપશું. મારા માનવા મુજબ અમેરિકા ભારતનો સૌથી મોટો ડીફેન્સ પાર્ટનર હોવો જોઈએ.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના પ્રવચનમાં શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, બીગ બી, ધર્મેન્દ્રની શોલે, ક્રિકેટર સચીન તેંડુલકર, કોહલી, ભાંગડા ડાન્સ, હોળી અને દિવાળી તહેવારનો ઉલ્લેખ કરી ભારતીયોના દિલ જીતી લીધા હતા. ટ્રમ્પે કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત બહુ ઝડપથી આગળ વધી રહ્યુ છે. લોકો ગરીબીમાથી બહાર નિકળી રહ્યા છે. મોટા ભાગના ઘરોમાં લોકો ગેસ પર ભોજન બનાવે છે. ભારતમાં ઘણી વિવિધતાઓ છે. અમેરિકા ભારતને પ્યાર કરે છે અને ઈજ્જત કરે છે. અમે ભારતના સદાય વફાદાર અને નિષ્ઠાવાન મિત્ર બની રહેશું. ભારતીયોનું અમારા દિલમાં ખાસ સ્થાન છે. પીએમ મોદીએ પોતાના કેરીયરની શરૂઆત ચાવાળા તરીકે કરી છે. મોદી ખૂબ મજબુત નેતા છે.

(3:23 pm IST)