Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ટ્રમ્પની પત્ની ટ્રમ્પ કરતા ૨૪ વર્ષ નાની : એક બે નહીં કુલ પાંચ ભાષાઓ જાણે છે

વોશિંગ્ટન તા. ૨૪ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે છે. તેમની સાથે તેમના પત્ની મેલેનિયા પણ ભારત છે. ત્યારે સુંદરતાનું પ્રતિક એવા મેલેનિયા ટ્રમ્પને લઇને ભારતમાં પણ ચર્ચા જાગી છે. ત્યારે આવો અમે તમને જણાવી કે મેલેનિયાની સુપરમોડલથી ફર્સ્ટ લેડી સુધીની સફર.

મેલેનિયા ટ્રમ્પનો જન્મ  સ્લોવેનિયાના નોવો મેસ્ટો ખાતે થયો

મેલેનિયા ટ્રમ્પનો જન્મ ૨૬ એપ્રિલ, ૧૯૭૦ના રોજ સ્લોવેનિયાના નોવો મેસ્ટો ખાતે થયો. મેલાનિયાનું બાળપણ યુગોસ્લાવ ગણરાજયના સેવાનિકામાં વિત્યું. તેમના પિતા વિકટર કાર અને મોટરસાયકલની ડીલરશીપ ધરાવતા હતા. જયારે કે માતા એમિલિયા રેડીમેઇડ ગારમેન્ટ કંપનીમાં પેટર્નમેકર તરીકે કામ કરતી હતી. મેલેનિયાને એક ઇન્સ નામની મોટી બહેન છે. જે એક કલાકાર છે.

૧૬થી ૧૭ વર્ષની ઉંમરે જ  મોડેલિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

મેલેનિયાને નાની ઉંમરથી જ ફેશન પ્રત્યે લગાવ હતો. બાળપણમાં તે અને કારખાનાના શ્રમિકોના બાળકો ફેશન શોમાં ભાગ લેતા હતા. સ્કૂલના અભ્યાસ બાદ મેલેનિયાએ માત્ર ૧૬થી ૧૭ વર્ષની ઉંમરે જ મોડેલિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

૧૮ વર્ષની ઉંમરે જ મોડેલિંગ  એજન્સી સાથે મેલેનિયાએ કરાર કર્યો

માત્ર ૧૮ વર્ષની ઉંમરે જ ઇટાલીના મિલાનની મોડેલિંગ એજન્સી સાથે મેલેનિયાએ કરાર કર્યો. જે બાદ મેલેનિયાએ મોડેલિંગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી. જુદા જુદા દેશોમાં આયોજીત થનારા ફેશન શોમાં મોડેલિંગ કર્યું.

મેલેનિયાએ ફોન નંબર  આપવાનો ઈન્કાર કર્યો

મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની લવસ્ટોરી ઘણી જ રસપ્રદ છે. બન્નેની મુલાકાત ૧૯૯૮માં ન્યૂયોર્કમાં આયોજિત એક ફેશનવીકમાં થઈ હતી. પહેલી જ નજરમાં ટ્રમ્પ મેલેનિયાને દિલ દઇ બેઠા. શરૂઆતમાં જ ડોનાલ્ડે મેલેનિયાએ પાસે ફોન નંબર માગ્યો. પરંતુ મેલેનિયાએ ફોન નંબર આપવાનો ઈન્કાર કર્યો હતો.

અમારી વચ્ચે ટ્યૂનિંગ ઘણું સારૂ છે

મૂળ સ્લોવેનિયાની મેલેનિયા અમેરિકામાં પોતાની કેરિયર બનાવવા માટે આવી હતી. તે ટૂંક સમયમાં સફળ મોડલ બની ગઈ. ટ્રમ્પ પણ તેમને પસંદ કરવા લાગ્યા હતા. પહેલા બન્ને વચ્ચે મિત્રતા વધી અને ૭ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. ૧૯૯૯માં એક ઈન્ટર્વ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે મેલેનિયા સાથેના સંબંધોનો સ્વિકાર કર્યો હતો. જે બાદ મેલેનિયાએ રીફોર્મ પાર્ટી પ્રેસિડેન્શિયલ નોમિનેશનમાં ટ્રમ્પ માટે પ્રચાર કર્યો હતો. મેલેનિયાએ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે, અમારી વચ્ચે ટ્યૂનિંગ ઘણું સારૂ છે અને કયારેય ઝઘડા નથી થતા.

ટ્રમ્પે ૧.૫ મિલિયન ડોલરની  હીરાની રિંગ મેલેનિયાને પહેરાવી

મેલેનિયા અને ટ્રમ્પ વચ્ચેના સંબંધ ૧૯૯૯ સુધીમાં ગાઢ બન્યા હતા. પરંતુ વચ્ચે એક એવો પણ સમય આવ્યો કે જયારે બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતુ. પરંતુ એક દિવસ ટ્રમ્પે ૧.૫ મિલિયન ડોલરની હીરાની રિંગ મેલેનિયાને પહેરાવીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ.

મેલાનિયાએ લગ્નમાં ૧ લાખ  ડોલરનો ડ્રેસ પહેર્યો

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બીજી પત્ની માર્લા મેપલ્સને ડાઇવોર્સ આપી દીધા.. જે બાદ વર્ષ ૨૦૦૫માં મેલેનિયા સાથે લગ્ન કરી લીધા. મેલેનિયા અને ટ્રમ્પના લગ્નમાં બિલ અને હિલેરી કિલન્ટન પણ પહોંચ્યા હતા. મેલાનિયાએ લગ્નમાં ૧ લાખ ડોલરનો ડ્રેસ પહેર્યો હતો. જેને બનાવવા માટે ૫૫૦ કલાકનો સમય લાગ્યો હતો.

મેલેનિયા ટ્રમ્પ કરતા  ૨૪ વર્ષ નાની છે

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાની વચ્ચે ઉંમરમાં ઘણો મોટો તફાવત છે. મેલેનિયા ટ્રમ્પ કરતા ૨૪ વર્ષ નાની છે. આ ઉપરાંત ટ્રમ્પની પહેલી પત્ની ઇવાનાના સંતાન ટ્રમ્પ જૂનિયરથી મેલેનિયા ૮ વર્ષ નાની છે.

મહિલાઓએ ટ્રમ્પ પર યૌન  શોષણનો આરોપ લગાવ્યો

મેલેનિયાએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ઘણી સક્રિયતા દાખવી હતી. અહીં સુધી કે જયારે ચૂંટણી દરમિયાન મહિલાઓએ ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, ત્યારે મેલેનિયા ટ્રમ્પના બચાવમાં ઉતરી હતી. મેલાનિયાએ સતત પતિનો બચાવ કર્યો હતો.

મેલેનિયા પાંચ ભાષા જાણે છે

મેલેનિયાનો ઉછેર યુગોસ્લોવાકિયામાં થયો છે. જયારે કે તે હાલમાં અમેરિકામાં વસવાટ કરી રહી છે. તમને જાણીને નવાઇ લાગશે મેલેનિયા પાંચ ભાષા જાણે છે. સ્લોવેનિયન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, સર્બિયન, અને જર્મન. આ તમામ ભાષા મેલેનિયા બોલી પણ શકે છે.

(1:24 pm IST)