Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

શિક્ષકો જે ભણાવે છે તે સમજી નથી શકતા વિદ્યાર્થીઓઃ સર્વે

ધો. ૩ અને પાંચના વિદ્યાર્થીઓ કરતા ધો. ૮ના વિદ્યાર્થીઓમાં ગ્રાસ્પિંગ કેપેબિલિટી ઓછી

નવી દિલ્હી તા. ૨૪ : એક બાજુ સૌ ભણે, સૌ આગળ વધે તેવા સૂત્રો તમને સાંભળવા મળતા હશે, ત્યારે બીજી બાજુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની શિક્ષણ પદ્ઘતિ ચિંતાજનક બની રહી છે. અમદાવાદની સરકારી અને સરકાર માન્ય શાળાઓના પાંચમા અને આઠમા ધોરણના વિદ્યાર્થીઓની વાત કરીએ તો, લગભગ ૫૦% જ વિદ્યાર્થીઓ એવા છે જે કલાસમાં ભણાવવામાં આવતા વિષયોને યોગ્ય રીતે શીખી રહ્યા છે.

 

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં NCERT દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તાને ચકાસવા માટે કરવામાં આવેલા નેશનલ એસેસમેન્ટ સર્વેમાં આ આંકડા સામે આવ્યા છે. સર્વે અનુસાર, આઠમા ધોરણના ૫૨.૨૫% અને પાંચમા ધોરણના ૫૮% વિદ્યાર્થીઓ કલાસમાં ભણાવવામાં આવતા વિષયોને યોગ્ય રીતે શીખી રહ્યા છે. ત્રીજા ધોરણની વાત કરીએ તો, ૬૬.૧૧ ટકા વિદ્યાર્થીઓ કલાસમાં આવતી સૂચનાને ફોલો કરે છે.

સર્વે અનુસાર, મોટા ધોરણના વિદ્યાર્થીઓમાં વિષયો પર પકડ ઓછી હોવી તે ચિંતાજનક બાબત છે. ધોરણ ૩ અને પાંચના વિદ્યાર્થીઓ કરતા ધોરણ આઠના વિદ્યાર્થીઓમાં ગ્રાસ્પિંગ કેપેબિલિટી ઓછી હોય છે. ઉદાહરણ તરીકે, આઠમા ધોરણમાં ૪૭.૪૪ ટકા છોકરીઓ અને ૪૪.૪૮ ટકા છોકરાઓ ગણિતના સવાલના જવાબ આપી શકયા, જયારે ત્રીજા ધોરણમાં ૬૪.૮૭ ટકા છોકરીઓ અને ૬૩.૮૭ ટકા છોકરાઓ ગણિતના જવાબ આપી શકયા.

NASએ આ સર્વેમાં ગણિત, પર્યાવરણ(EVS), સોશિયલ સ્ટડી અને ભાષા જેવા વિષયોને શામેલ કર્યા હતા. વિદ્યાર્થી કલાસમાં કેટલું શીખી રહ્યા છે તે જાણવા માટે NAS એક મદદરુપ પેરામીટર છે. NASના ડેટા અનુસાર, પાંચમા ધોરણના વિદ્યાર્થીઓમાં ૪૩.૫૫ ટકા વિદ્યાર્થીઓ અપૂર્ણાંકના દાખલા યોગ્ય રીતે કરી શકયા હતા.

૪૫.૨૪ ટકા વિદ્યાર્થીઓ ત્રિકોણ, તોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા કરી શકયા હતા. જો ગુજરાતીની વાત કરીએ તો માત્ર ૫૮.૭૮ ટકા વિદ્યાર્થીઓ વાર્તાની ચોપડીઓ, ન્યુઝની હેડલાઈન્સ અથવા જાહેરાત વાંચી શકતા હતા.(૨૧.૨૭)

(3:28 pm IST)