Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

બેંકો ગરીબોને કરે છે ૧૦૦ સવાલઃ શ્રીમંતોને તપાસ વગર આપે છે લોન

મદ્રાસ હાઇકોર્ટે બેંકોની લોન આપવાની પ્રક્રિયા અને માપદંડ સામે સવાલ ઉઠાવ્યાઃ ગરીબ-મધ્યમવર્ગને ફુંકી-ફુંકીને લોન આપે છે જયારે માલદારો માટે બિછાવાઇ છે લાલજાજમઃ આઇઓબીએ એક છાત્રાને લોન આપવાનો ઇન્કાર કરતા હાઇકોર્ટ લાલઘુમઃ બેંકની અરજી ફગાવીઃ છાત્રાને લોન આપવા આદેશઃ બેંકને રપ૦૦૦નો ફટકાર્યો દંડ

ચેન્નાઇ તા.ર૪ : મદ્રાસ હાઇકોર્ટે બેંકોની લોન આપવાની પ્રક્રિયા અને માપદંડ ઉપર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યુ છે કે બેંકો અબજપતિ ઉદ્યોગપતિઓ અને મધ્યમવર્ગ કે ગરીબને લોન આપવા માટેના અલગ-અલગ માપદંડો અપનાવે છે. મદ્રાસ હાઇકોર્ટે તામિલનાડુની એક એન્જીનીયરીંગ છાત્રાને એજયુકેશન લોન આપવાના આદેશ વિરૂધ્ધ બેંકની અપીલને ફગાવતા આ ટિપ્પણી કરી હતી.

મદ્રાસ હાઇકોર્ટે કહ્યુ છે કે બેંક પહેલા તો કોઇ પુરતી સિકયુરીટી વગર માલદાર ઉદ્યોગપતિઓને લોન આપી દયે કે પછી એલઓયુ પાસ કરી દયે છે. તે પછી જયારે ગોટાળો સામે આવે અને મામલો હાથથી બહાર જાય તો બેંક રિકવરી માટે પગલા લ્યે છે. મદ્રાસ હાઇકોર્ટે સાથોસાથ કહ્યુ હતુ કે બીજી તરફ મધ્યમવર્ગ અને ગરીબ લોકોના મામલામાં બેંક અલગ માપદંડ અપનાવે છે તેમની પાસેથી બધા દસ્તાવેજો લ્યે છે અને પુરતી તપાસ બાદ જ અત્યંત મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ લોન પાસ કરે છે.

જસ્ટીસ કે.કે.શશીધરન અને જસ્ટીસ વેલમુરૂગનની બેન્ચે આ ટિપ્પણી આઇઓબી દ્વારા એક સીંગલ જ્જના આદેશ વિરૂધ્ધ અપીલને ફગાવતા કરી હતી. આ આદેશમાં બેંકને તામિલનાડુમાં ઓબીસી વર્ગની એક છાત્રાને એજયુકેશન લોન આપવા કહેવાયુ હતુ. બેંકે આ આદેશ વિરૂધ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. અપીલને ફગાવતા કોર્ટે ગરીબ છાત્રાને શૈક્ષણિક લોન આપવાનો ઇન્કાર કરવા બદલ બેંક ઉપર રપ૦૦૦નો દંંડ પણ ફટકાર્યો હતો.

જ્જોએ કહ્યુ હતુ કે, બેંક કેન્દ્ર અને રિઝર્વ બેંક દ્વારા જારી નિર્દેશોને લઇને ગંભીર નથી. રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારે ગરીબ છાત્રોને એજયુ. લોન આપી શિક્ષણ મેળવવામાં મદદ કરવા કહ્યુ છે પણ બેંકો આનો ભંગ કરી રહેલ છે. કોર્ટે કહ્યુ છે કે આ મામલાથી બેંકની કાર્ય પ્રણાલી સ્પષ્ટ થાય છે કે એક ગરીબ છાત્રાને ૩.૪પ લાખની લોન માટે બેંકના કેટલા ચક્કર લગાવવા પડયા.

ર૦૧૧-૧રમાં છાત્રાએ આઇઓબીમાં ૩.૪પ લાખની લોન માટે અરજી કરી હતી પણ બેંકે ઇન્કાર કર્યો હતો અને જે પછી છાત્રા હાઇકોર્ટ પહોંચી હતી અને જયાં સીંગલ જ્જની બેન્ચે છાત્રાના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો અને બેંકને લોન મંજુર કરવા આદેશ આપ્યો. બેંકે આ આદેશ વિરૂધ્ધ હાઇકોર્ટની મોટી બેન્ચમાં અપીલ કરી હતી. આ અપીલને ફગાવતા હાઇકોર્ટની બે સભ્યોની બેન્ચે આ ફેંસલો સંભળાવ્યો હતો. (૩-પ)

(11:52 am IST)