Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

પાંચ વર્ષથી જેલમાં બંધ નિર્દોષ માતા-પિતાના બાળકો લાપતા

પોલીસે કોઈ જ પુરાવા વગર ધરપકડ કરી હતી : ૫ વર્ષના બાળકનો મૃતદેહ મળવાના મુદ્દે પોલીસે નક્કર પુરાવા વિના આ પતિ-પત્નીને જેલ ભેગા કરી દીધા હતા

આગરા, તા. ૨૩ : કોઈ વાંકગુના વિના પાંચ વર્ષ જેલમાં રહેવું પડે, અને જેલમાંથી છૂટીને પોતાના ગુમ બાળકોને શોધવા પડે તે પતિ-પત્ની પર કેવું વિતતું હશે તેની કદાચ કોઈ કલ્પના પણ ના કરી શકે. આગરામાં બનેલી ઘટના દેશની કાયદા અને વ્યવસ્થા ઉપરાંત ન્યાય મેળવવામાં જોવી પડતી લાંબી રાહની મજબૂરી પર ખરેખર ચિંતા ઉપજાવે તેવી છે. જેનો ભોગ બનેલા પતિ-પત્નીને પોલીસ જેલભેગા કરી તેમના નાના બાળકોને અનાથઆશ્રમમાં મોકલી દીધા હતા. હાલ પતિ-પત્ની તો છૂટી ગયા છે, પરંતુ તેમના બાળકોનો કોઈ પત્તો નથી.

ઘટનાની વિગત એવી છે કે, નરેન્દ્ર સિંહ (ઉં. ૪૦ વર્ષ) અને તેમના પત્ની નજમા (ઉં. ૩૦ વર્ષ)ની ૨૦૧૫માં આગરાના બાહમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાંચ વર્ષના એક બાળકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાના મામલે પોલીસે કોઈ નક્કર પુરાવા વિના પતિ-પત્નીને આરોપી દર્શાવી પકડીને જેલભેગા કરી દીધા હતા. તેમની ધરપકડ કરાઈ ત્યારે તેમનો દીકરો પાંચ વર્ષનો હતો, અને દીકરી માત્ર ત્રણ વર્ષની હતી.

કમનસીબ પતિ-પત્નીને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ કરતા સેશન્સ કોર્ટે પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે નિર્દોષ વ્યક્તિને કોઈ વાંક-ગુના વિના પાંચ વર્ષ જેલમાં સબડવું પડે અને જેણે ખરેખર ગુનો કર્યો છે તેનો કોઈ અતોપતો ના હોય તે ઘટના ખરેખર ખૂબ કમનસીબ છે. કોર્ટે કેસની તપાસ કરનારા અધિકારી સામે પણ પગલાં લેવા માટે આદેશ આપ્યો છે.

કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસે કોઈ નક્કર પુરાવા શોધવાને બદલે જે સાંયોગીક પુરાવા હતા માત્ર તેમના પર આધાર રાખીને કેસની તપાસ કરી છે. કેસની તપાસ સાથે સંકળાયેલા પીએસઆઈ ચિદાનંદ સિંઘે કોર્ટમાં કબૂલ્યું હતું કે તેણે જાણવા પણ પ્રયાસ નહોતો કર્યો કે એફઆઈઆર કોની વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

પોલીસની અક્ષમ્ય બેદરકારીનો ભોગ બનનારા નરેન્દ્ર સિંહ અગાઉ શિક્ષક તરીકે કામ કરતા હતા. તેઓ સવાલ કરે છે કે, બધામાં મારા બાળકોનો શું વાંક હતો? તેમને કોના કારણે પાંચ વર્ષ સુધી અનાથની માફક રહેવું પડ્યું? તેમનો દીકરો અજીત અને દીકરી અંજુ તે વખતે એટલા નાના હતા કે કદાચ અત્યારે તેઓ તેમના મા-બાપને ઓળખી પણ નહીં શકે. નરેન્દ્ર સિંહની પત્નીએ મામલે પોલીસને પત્ર લખી પોતાના બાળકોને શોધવા મદદ કરવા માટે આજીજી કરી છે.

આંખમાં આંસુ સાથે નરેન્દ્ર સિંહ જણાવે છે કે અમારી ધરપકડ થઈ ત્યારથી અમે અમારા બાળકોને મળી નથી શક્યા. ૨૦૧૫માં ડિસ્ટ્રિક્ટ જજે દંપતીની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. તેઓ હાઈકોર્ટમાં પણ ગયા હતા, પરંતુ વકીલોની ફી પોસાય તેમ ના હોવાથી તેમને હાઈકોર્ટમાં કેસ અધવચ્ચેથી પડતો મૂકવો પડ્યો હતો. દંપતીના વકીલ વંશો બાબુએ જણાવ્યું હતું કે, પોલીસે કોર્ટમાં કબૂલ્યું હતું કે બાળકની હત્યા બાદ લોકોમાં જોરદાર આક્રોશ ફાટી નીકળતા તેમણે પતિ-પત્નીની ધરપકડ કરી હતી. એટલું નહીં, પોલીસે ચાર્જશીટ પણ હકીકતોને ચકાસ્યા વિના ઉતાવળમાં દાખલ કરી દીધી હોવાનું પણ માન્યું હતું.

(12:00 am IST)
  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST

  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST

  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST